17 November, 2025 01:51 PM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
સોની રાઠોડનાં લગ્ન સાજન બારેયા સાથે થવાનાં હતાં
ભાવનગરમાં એક એવો ખૂની ખેલ ખેલાયો કે સૌ વિચારતા રહી ગયા છે કે એવું તે શું બન્યું કે લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનની ઘાતકી હત્યા કરી નાખી? વાત એમ છે કે ભાવગનરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતી સોની રાઠોડનાં લગ્ન સાજન બારેયા સાથે થવાનાં હતાં. ઘરમાં લગ્નનો માહોલ હતો. રંગબેરંગી રોશનીથી શણગારેલા ઘરમાં લગ્નગીતો ગવાઈ રહ્યાં હતાં. એક દિવસ પહેલાં જ પીઠી ચોળવાનો અને મેંદીનો કાર્યક્રમ થયો હતો. બાવીસ વર્ષની સોની રાઠોડે પતિના નામે આઇ લવ સાજન લખેલી મેંદી પણ મુકાવી હતી અને બીજા હાથમાં અખંડ સૌભાગ્યવતી લખાવ્યું હતું. સોની અને સાજન દોઢ વર્ષથી લિવ-ઇનમાં રહેતાં હતાં. પહેલાં પરિવાર તેમનાં લગ્નના વિરોધમાં હતો એટલે છ મહિના પહેલાં જ તેમણે કોર્ટ-મૅરેજ પણ કરી લીધાં હતાં. આખરે પરિવાર માની જતાં તેઓ રંગેચંગે લગ્ન કરવાનાં હતાં. જોકે લગ્નના થોડા જ કલાકો પહેલાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા. લગ્નને એક જ કલાક બાકી હતો ત્યારે તેમની વચ્ચે કોઈક વાતે ઝઘડો થતાં સાજને સોનીના માથામાં લોખંડની પાઇપ મારીને અને દીવાલ સાથે માથું અફાળીને તેને મોતના હવાલે કરી દીધી હતી. નવવધૂના શણગારમાં જે પતિના નામની મેંદી મૂકેલી તે જ સાજન સોનીને લોહીલુહાણ હાલતમાં તરફડતી મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસના કહેવા મુજબ બન્ને વચ્ચે સાડી અને પૈસા બાબતે ઝઘડો થયો હતો. જ્યારે પરિવાર ઝઘડા અને મારપીટનો અવાજ સાંભળીને ત્યાં આવ્યો ત્યારે સોની મૃત્યુ પામી હતી અને સાજન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સાજનનો એ જ દિવસે એક પાડોશી સાથે પણ ઝઘડો થયો હતો.