૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયામાં ગરબા પાર્ટનર ભાડેથી મેળવો

17 September, 2026 08:04 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

નવરાત્રિમાં ગરબા રમવા પાર્ટનર ન હોય તો હવે ભાડેથી પાર્ટનર લેવાનો આઇડિયા વાઇરલ થયો છે. ગુજરાતના ક્રિશ મિસ્ત્રીએ સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ પૅકેજ રજૂ કર્યા છે, જોકે આ ખરેખર સર્વિસ છે કે કટાક્ષ તે સ્પષ્ટ નથી.

નવરાત્રિ ટ્રેન્ડ

નવરાત્રિ આવે ત્યારે જો તમારી પાસે સરસ ગરબા રમતા આવડતું હોય એવો પાર્ટનર ન હોય તો મજા નથી આવતી. સોશ્યલ મીડિયા પર એક મજેદાર આઇડિયા વાઇરલ થયો છે. જો બધું જ ભાડેથી મળતું હોય તો ગરબા પાર્ટનર કેમ નહીં? ગુજરાતના ક્રિશ મિસ્ત્રી નામના એક યુવાને નવરાત્રિમાં ગરબા રમવા માટે ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ નામની અનોખી સર્વિસ શરૂ કરી છે. એમાં તેણે ત્રણ પ્રકારનાં પૅકેજ પણ રજૂ કર્યાં છે – સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ. સિલ્વર પૅકેજમાં ૧૦૦૦ રૂપિયામાં બે કલાક માટે પાર્ટનર તમારી સાથે ગરબા રમશે. તમે જેવું આઉટફિટ પહેર્યું હશે એવાં મૅચિંગ કપડાં અને બેસિક ગરબા-સ્ટેપ્સ સાથે સેલ્ફી લઈ શકાશે. ગોલ્ડ પૅકેજ ૧૫૦૦ રૂપિયાનું છે જેમાં ૪ કલાક માટે ગરબા રમી શકાશે અને સાથે જ પહેલી મુલાકાતની એક ફિલ્મી કહાની જેવી સોશ્યલ મીડિયા રીલ પણ બનાવીને આપવામાં આવશે. પ્લૅટિનમ પૅકેજમાં ૨૦૦૦ રૂપિયા ચાર્જ થશે જેમાં પાર્ટનરને આખો દિવસ ગરબા માટે ભાડેથી રાખી શકાશે. ઇવેન્ટ દરમ્યાન તે પ્રેમાળ ચેષ્ટાઓ પણ કરશે અને ગરબા પત્યા પછી ઘર સુધી સેફ છોડી આવવાની ફૅસિલિટી પણ આપશે. ક્રિશની આ પોસ્ટ જોતજોતાંમાં વાઇરલ થઈ ગઈ છે. અલબત્ત ખરેખર તેણે આ સર્વિસ શરૂ કરી છે કે પછી એક કટાક્ષ છે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ.

navratri gujarat gujarat news social media social networking site viral post offbeat news hatke news