વાયરલ પ્રેમ કથા: પ્રેમ સામે સમાજના અવરોધને હરાવી 64 વર્ષ પછી ફરી લીધા લગ્ન ફેરા

27 March, 2025 06:44 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

Gujarati Couple who Ran Away 64 Years Ago ties knot: ગુજરાતના હર્ષ અને મૃદુ નામના દંપતીએ 64 વર્ષ પછી ફરી લગ્ન કર્યા, પરંતુ આ વખતે તે એકલા નહોતા. તેમનો પરિવાર, બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો સાથ મળ્યો. આ દિલ જીતી લેનાર અને પ્રેરણાદાયી વાર્તા વિશે જાણો.

હર્ષ અને મૃદુના લગ્નનો ફોટો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

ગુજરાતના હર્ષ અને મૃદુ (Harsh and Mrudu) નામના દંપતીએ 64 વર્ષ પછી ફરી લગ્ન કર્યા, પરંતુ આ વખતે તે એકલા નહોતા. તેમનો પરિવાર, બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો સાથ મળ્યો. આ દિલ જીતી લેનાર અને પ્રેરણાદાયી વાર્તા સાબિત કરે છે કે સાચો પ્રેમ સમયની કોઈ હદમાં બંધાતો નથી.

પ્રેમ સામે સમાજના અવરોધ
1960ના દાયકાની વાત છે, જ્યારે હર્ષ અને મૃદુ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હર્ષ જૈન તો મૃદુ બ્રાહ્મણ પરિવારના હતા. આ કારણે તેમના સંબંધને સ્વીકારવું તેમના પરિવારો માટે અશક્ય હતું. તેમ છતાં, તેઓએ પ્રેમમાં વિશ્વાસ રાખ્યો અને છુપાઈને પત્ર લખી એકબીજાની લાગણીઓ શૅર કરતા રહ્યા. જ્યારે મૃદુના પરિવારને આ સંબંધ વિશે ખબર પડી, ત્યારે તેમણે આ સંબંધ સ્વીકાર્યો નહીં. મૃદુ અને હર્ષ માટે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું મુશ્કેલ બની ગયું. એક તરફ પરિવારનો વિરોધ અને બીજી તરફ પ્રેમ—તેમણે કઈ તરફ વળવાનું?

પ્રેમ માટે પરિવાર છોડવાનો નિર્ણય
આટલા બધા અવરોધો છતાં, હર્ષ અને મૃદુએ પ્રેમ પસંદ કર્યો. પરિવારનો સાથ છૂટશે, ભવિષ્ય અનિશ્ચિત હશે, છતાં તેમણે એકબીજા સાથે રહેવાનું નક્કી કરી ભાગી ગયા. ન કોઈ ભવ્ય લગ્ન, ન કોઈ પરિવાર, ન કોઈ આશીર્વાદ. તેમ છતાં, તેમણે પ્રેમ અને વિશ્વાસ સાથે જીવન શરૂ કર્યું. શરૂઆતના વર્ષો તેમના માટે ખુબજ મુશ્કેલ ગયા. કોઈ સાથ-સહકાર વિના નવું જીવન ઘડવાનું હતું. પરંતુ ધીરજ અને પ્રેમથી તેમણે એક સુખી પરિવાર બનાવ્યો. વર્ષો બાદ, જેમ જેમ તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીઓ મોટા થતા ગયા, તેમ તેમ પ્રેમ અને સમર્પણના આ સંબંધને માન્યતા મળતી ગઈ. જ્યારે તેમની 64મી લગ્નની વર્ષગાંઠ નજીક આવી, ત્યારે પરિવારના દરેક સભ્યએ મળીને તેમની માટે સંપૂર્ણ વિધિપૂર્વકના લગ્નનું આયોજન કર્યું.

64 વર્ષ પછી ફરી લગ્ન, આ વખતે પરિવારના આશીર્વાદ સાથે
64 વર્ષ પછી હર્ષ અને મૃદુ ફરી એકવાર દુલ્હા-દુલ્હન બન્યા. લગ્ન પછી પહેલી વાર બંનેને અલગ રાખવામાં આવ્યા, જેથી પરંપરાગત વિધિઓનું પાલન થાય. મંગલફેરા, સાત વચનો, હવન અને સંસ્કૃતિપૂર્ણ વિધિઓ સાથે તેમના લગ્ન યોજાયા. તેમના સહિયારા પ્રેમની આ સુંદર ક્ષણો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવી હતી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

એક અમર પ્રેમ કથા
આ લગ્ન માત્ર તેમના પ્રેમની ઉજવણી નહોતી, પણ એક સંદેશ હતો કે સાચો પ્રેમ સમય કે સમાજની કોઈ હદમાં બંધાતો નથી. હર્ષ અને મૃદુની સ્ટોરી એ સાબિત કરે છે કે તમારા પ્રેમનો સાથ હોય તો બધું શક્ય છે. આજે તેમની સ્ટોરી સંઘર્ષ અને સમર્પણની પ્રેરણા છે. એવી દુનિયામાં જ્યાં પ્રેમ ઘણીવાર સામાજિક અપેક્ષાઓ સામે સંઘર્ષ કરે છે, હર્ષ અને મૃદુની સફર આશાના કિરણ તરીકે ઉભી છે.

love tips sex and relationships relationships social media viral videos gujarat news gujarati inflluencer gujaratis of mumbai offbeat news gujarati mid-day