21 November, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુસ્તાવ ક્લિમ્ટ નામના ચિત્રકારે બનાવેલા એલિઝાબેથ લેડરરના ઊભા પૉર્ટ્રેટ પેઇન્ટિંગની લિલામી થઈ
મંગળવારે રાતે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં કળાના કદરદાનોને હંમેશાં યાદ રહી જાય એવો પ્રસંગ બન્યો. એક ઑક્શન હાઉસ દ્વારા જગવિખ્યાત ગુસ્તાવ ક્લિમ્ટ નામના ચિત્રકારે બનાવેલા એલિઝાબેથ લેડરરના ઊભા પૉર્ટ્રેટ પેઇન્ટિંગની લિલામી થઈ હતી. આ પેઇન્ટિંગે અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા હતા. ઑસ્ટ્રિયાના વિયેનાના ખ્યાતનામ ચિત્રકાર ગુસ્તાવ ૧૯૧૮માં મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમના આર્ટવર્કની કિંમત દિનપ્રતિદિન વધતી રહી છે. તેમનું આ પેઇન્ટિંગ ૨૩૬.૪ મિલ્યન ડૉલર એટલે ૨૦,૯૨, ૨૯,૩૬,૬૦૦ રૂપિયા એટલે કે ૨૦૯૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ સાથે એ અત્યાર સુધીનું સૌથી વધુ કિંમતે વેચાયેલું ચિત્ર બની ગયું છે.