મહાદેવ સામે ભક્તની અનોખી શરત : મારું કામ પૂરું કરો તો છેલ્લી વાર દારૂ પીને પછી કાયમ માટે છોડી દઈશ

14 September, 2026 10:52 AM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

ગ્વાલિયરના અચલેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીની રકમ ગણતી વખતે ભક્તોની અનોખી ચિઠ્ઠીઓ મળી હતી. એક ભક્તે કામ સફળ થાય તો છેલ્લી વાર દારૂ પીને જીવનભર દારૂ છોડવાનું મહાદેવને વચન આપ્યું હતું.

મહાદેવ સામે ભક્તની અનોખી શરત

ભગવાન અને ભક્ત વચ્ચેના અનોખા સંબંધોના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આવેલા પ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિરમાંથી કંઈક એવું નીકળ્યું જેને જોઈને બૅન્કના અધિકારીઓ પણ પોતાના હાસ્ય પર કાબૂ ન રાખી શક્યા. મંદિરની દાનપેટીમાંથી પૈસાની ગણતરી કરતી વખતે ભક્તોએ મહાદેવને લખેલી કાગળની ચિઠ્ઠીઓ મળી આવી હતી, જેમાં લોકોએ શિવજી સાથે અનોખી ‘ડીલ’ કરી હતી. દાનપેટીની રકમની ગણતરી માટે બોલાવવામાં આવેલા બૅન્કના ૨૦ નિવૃત્ત કર્મચારીઓ સમક્ષ જ્યારે આ પત્રો ખૂલ્યા ત્યારે મંદિરમાં કૌતુક સર્જાયું હતું.
દાનપેટીમાંથી મળેલી ચિઠ્ઠીઓમાં ભક્તોએ જાતજાતની ઇચ્છાઓ વ્યક્ત કરી હતી અને પ્રશ્નો પૂછ્યા હતા, પણ સૌથી વધુ ચર્ચામાં આવેલો પત્ર એક દારૂના શોખીન ભક્તનો હતો.
ભક્તે લખ્યું હતું, ‘હે મહાદેવ, હું મારી લાંબા સમયથી અટકેલી યોજના તમારી સામે મૂકું છું. મારું કામ સફળ બનાવી દો. જો કામ થઈ જશે તો હું ફક્ત છેલ્લી એક વાર દારૂ પીશ અને પછી જિંદગીભર માટે દારૂ છોડી દઈશ. આ મારું તમને વચન છે.’

madhya pradesh shiva temple shiva offbeat news hatke news