પાકા રોડની વચ્ચોવચ હૅન્ડપમ્પ

28 October, 2025 01:14 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના સીધી જિલ્લાનો એક રોડ અજીબોગરીબ કારનામા માટે ચર્ચામાં છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મધ્ય પ્રદેશના સીધી જિલ્લાનો એક રોડ અજીબોગરીબ કારનામા માટે ચર્ચામાં છે. આ જિલ્લાના ડોલ કોઠાર ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા પાકા સિમેન્ટ કૉન્ક્રીટના રોડની વચ્ચે એક હૅન્ડપમ્પ બેસાડેલો જોવા મળે છે. હૅન્ડપમ્પ રોડના લેવલથી નીચે હોવાથી મોટો ખાડો બનાવવામાં આવ્યો છે અને વાહન ચલાવતી વખતે ડ્રાઇવરનું ધ્યાન જાય એ માટે ખાડાની ચારે તરફ મોટા ડિવાઇડરમાં વપરાતા પથ્થર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઘટના સરકારી કામકાજમાં કેટલી લાપરવાહી છે એનું ઉદાહરણ છે. ગામના લગભગ ૧૦ પરિવારો માટે આ હૅન્ડપમ્પ એકમાત્ર પાણી મેળવવાનો સ્રોત છે. રોડ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને કૉન્ટ્રૅક્ટરે હૅન્ડપમ્પને થોડેક દૂર ખસેડવાની તસ્દી લીધા વિના જ એની ફરતે રોડ બનાવી દીધો હતો. રોડની બન્ને તરફ જોઈએ એટલી ખુલ્લી જમીન હોવા છતાં રોડના નકશાની વચ્ચે આવતા પમ્પને હટાવીને બીજે બેસાડવામાં આવ્યો નહોતો. હવે ગામલોકો પાકા રોડની વચ્ચે ઊભા રહીને રોજ પાણી ભરે છે એને કારણે અચાનક સ્પીડમાં આવતા વાહન સાથે ટકરાવાનો ભય રહે છે એટલું જ નહીં, મોટાં વાહનો આ રોડ પરથી પસાર નથી થઈ શકતાં. 

offbeat news madhya pradesh viral videos social media