હૉસ્પિટલે બનાવ્યું ૧.૭૩ કરોડ રૂપિયાનું બિલ, AIના ચૅટબૉટે એ બિલને બનાવ્યું ૨૯ લાખનું

07 November, 2025 02:04 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલે તેમને વધારાની રકમ ચૅરિટી તરીકે આપી દેવાની વિનંતી કરી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એક પરિવારને ઇમર્જન્સી મેડિકલ સર્વિસ માટે હૉસ્પિટલ જવાનું થયું. પ્રિયજનને હૉસ્પિટલમાં દાખલ કર્યાના ૪ જ કલાકમાં દરદીનું મૃત્યુ થઈ ગયું. હજી તો એ આઘાતમાંથી બહાર આવે ત્યાં હૉસ્પિટલવાળાએ ૧.૭૩ કરોડ રૂપિયાનું બિલ પકડાવી દીધું. પરિવાર પાસે ઇન્શ્યૉરન્સ હતો નહીં એટલે આટલું મોટું બિલ જોઈને તેમના તો મોતિયા જ મરી ગયા. હવે શું કરવું? પરિવારે આ બિલ કેટલું વાજબી છે એ ચેક કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટબૉટનો સહારો લીધો. અમેરિકામાં હૉસ્પિટલના બિલ્સમાં મેડિકલના શબ્દો અને સીક્રેટ કોડ્સની ભરમાર હોય છે એટલે આમ આદમીને એ સમજવામાં મુશ્કેલી પડે છે. પરિવારજનોએ  ક્લૉડ નામના ચૅટબૉટની બિલના કોડ ઉકેલવા મદદ લીધી. AIએ બિલનું બ્રેકડાઉન કરીને કેટલાક કોડ્સને ઉકેલ્યા તો તરત જ ખબર પડી કે એમાં કેટલાક એવા કોડ્સ જોડાયા હતા જે ઇલાજમાં વપરાયેલી અન્ય પ્રક્રિયાઓ અને સપ્લાયનું બિલ ન બનાવી શકાય. કેટલીક માસ્ટર પ્રોસીજરના નામે ચોક્કસ રકમો જોડવામાં આવી હતી જેની કિંમત થતી હતી ૮૮ લાખ રૂપિયા. એટલું જ નહીં, AIએ ઇન પેશન્ટ અને ઇમર્જન્સી કોડનો ખોટો ઉપયોગ કરવાને કારણે વેન્ટિલેટરના બિલિંગમાં પણ ગરબડ પકડી પાડી. આખરે બિલ માત્ર ૨૯ લાખ રૂપિયાનું જ રહ્યું. આ તમામ પુરાવાઓ જ્યારે પરિવારે હૉસ્પિટલ સામે રજૂ કર્યા તો હૉસ્પિટલે તેમને વધારાની રકમ ચૅરિટી તરીકે આપી દેવાની વિનંતી કરી. જોકે પરિવારે કહ્યું કે ખોટું બિલ બનાવીને પૈસા પડાવવાની નીયત ધરાવતી હૉસ્પિટલને ચૅરિટી નથી આપવી.

international news world news united states of america ai artificial intelligence Crime News offbeat news