24 October, 2025 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
સોશ્યલ મીડિયા પર એક યુઝરે મજેદાર અખતરો શોધી કાઢ્યો છે. કૉમેડી અને સાયન્સની સેળભેળ કરીને કન્ટેન્ટ બનાવતો આ યુઝર લોઅર કિન્ડરગાર્ટન (LKG) લેવલના પ્રશ્નોને જાહેરમાં પૂછીને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ સિરીઝમાં તે મજાકિયા પ્રશ્નોને હાથેથી કાગળ પર લખીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે અને લોકો પાસેથી એટલા જ મસ્તીભર્યા જવાબો પણ મેળવી રહ્યો છે. તેના વાઇરલ સવાલોમાં લોકોને પણ ભારે રસ પડ્યો છે. હમણાં ફરી એક LKGના પ્રશ્નમાં આ યુઝરે પૂછ્યું હતું કે ‘આપણે શરીરમાં દુખાવો દૂર કરવા માટે દવા ખાઈએ છીએ, પણ દવાને કેવી રીતે ખબર પડે છે કે મારા શરીરમાં ક્યાં દુખાવો છે? દુખાવાનું લોકેશન દવાને કેવી રીતે મળે છે?’ લોકોએ પણ મસ્તીની વહેતી ગંગામાં હાથ ધોવા માટે રસપ્રદ જવાબો આપ્યા હતા. કોઈએ લખ્યું હતું કે દવામાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લગાવેલી હોય છે તો કોઈએ જવાબમાં લખ્યું છે કે આપણે જ્યારે ડૉક્ટરને કહીએ છીએ કે આપણને શરીરમાં અહીં દુખાવો છે ત્યારે દવા પણ સાંભળી લે છે અને પછી સીધી ત્યાં જઈને દુખાવાનો નાશ કરે છે.