પતિએ પત્નીનું જીવતેજીવ પિંડદાન કરી દીધું, વૉટ્સઍપ સ્ટેટસમાં સ્વર્ગીય લખી નાખ્યું

04 August, 2026 05:48 PM IST  |  Firozabad | Gujarati Mid-day Correspondent

ફિરોઝાબાદમાં પતિએ પત્ની સાથેના ઝઘડા બાદ તેને મૃત જાહેર માની યમુના કિનારે પિંડદાન કર્યું અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ થઈ છે.

પતિએ પત્નીનું જીવતેજીવ પિંડદાન કરી દીધું, વૉટ્સઍપ સ્ટેટસમાં સ્વર્ગીય લખી નાખ્યું

‍ફિરોઝાબાદમાં એક પતિએ પત્ની સાથે ભારે ઝઘડો થયા પછી ગુસ્સામાં આવીને પત્નીનું પિંડદાન કરી દીધું. તેણે યમુના નદીમાં પત્નીની તસવીર પ્રવાહિત કરીને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. જીવતેજીવ લોકો જગતિયું કરે છે, પરંતુ કોઈક તમને મૃત ગણીને તમારી અંતિમ વિધિઓ પર્ફોર્મ કરે એવું ભાગ્યે જ બને. ઝારખંડની દીપા સ્વર્ણકાર નામની મહિલાનાં લગ્ન ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ નજીક આવેલા ગામમાં જિતેન્દ્ર પ્રકાશ નામની વ્યક્તિ સાથે ૨૦૧૪માં થયાં હતાં. લગ્નના થોડા જ સમય પછી દંપતી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયેલા. પત્નીનો આરોપ છે કે સાસરિયાં દહેજની માગણી કરીને હેરાન કરતા હતા. તાજેતરમાં આ ઝઘડો ચરમસીમા પર પહોંચી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતાં દીપાએ કહ્યું હતું, ‘૩૦ જુલાઈએ મને પતિએ ખૂબ મારી હતી, જોકે મેં મારી જાતને એક રૂમમાં બંધ કરીને જીવ બચાવ્યો હતો.’ જિતેન્દ્ર પ્રકાશે રવિવારે પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં તે દીપાનો ફોટોગ્રાફ લઈને યમુનાકિનારે પિંડદાન કરતો જોવા મળ્યો હતો. પહેલાં તેણે પોતાના વાળ કાપી નાખ્યા. એ પછી દીપાની તસવીર સામે પૂજા કરીને ફૂલો અર્પણ કરીને એ બધું યમુના નદીમાં પ્રવાહિત કરી દીધું. આટલું ઓછું હોય એમ આ ઘટનાનો વિડિયો લઈને પ્રકાશે પોતાના વૉટ્સઍપ સ્ટેટસમાં મૂક્યો છે અને એમાં દીપાના નામ સામે સ્વર્ગીય લખવામાં આવ્યું છે. દીપાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું હતું કે મેં જ્યારે આ બાબતે વિરોધ કર્યો તો પતિએ મને કહી દીધું કે હું તેમના માટે મરી ચૂકી છું. તેણે મને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપી છે. 
પોલીસમાં ફરિયાદ થયા પછી પ્રકાશ ઘરેથી ભાગી ગયો છે. 

uttar pradesh viral videos social media offbeat news hatke news