16 March, 2025 02:38 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ઑનલાઇન રેમિટન્સ કંપની રેમિટલીએ ૨૦૨૫નો નવો ઇમિગ્રેશન ઇન્ડેક્સ જાહેર કર્યો છે. આ ઇન્ડેક્સ અનુસાર દુનિયાભરના લોકો યુરોપના દેશ આઇસલૅન્ડમાં સ્થળાંતરિત થવા માટે પહેલી પસંદગી બતાવી રહ્યા છે. રેમિટલીના જણાવ્યા અનુસાર કનેક્ટિવિટી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, હેલ્થકૅર, રોજગારના અવસર, જીવન ચલાવવા લાગતો ખર્ચ, હૅપીનેસ અને ઇમિગ્રન્ટની તાકાત જેવાં મૂલ્યાંકનો પર આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે અને ૮૨ દેશોનું એમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. એમને ૧૦૦માંથી નંબર આપવામાં આવ્યા હતા અને એમાં 58.4 નંબર સાથે નૉર્થ ઍટલાન્ટિકનો ટાપુ દેશ આઇસલૅન્ડ ટોચના સ્થાને છે. મોટા ભાગના લોકોએ કહ્યું હતું કે તેઓ સ્થળાંતરિત થવું હોય તો આઇસલૅન્ડ જવાનું પસંદ કરશે. આઇસલૅન્ડમાં મિનિમમ સૅલેરી પણ વધારે મળે છે અને વાર્ષિક પગાર પણ વધારે મળે છે.
આ લિસ્ટમાં 55.8 નંબર સાથે સ્વિટ્ઝરલૅન્ડ બીજા ક્રમાંકે છે. આ સિવાય લક્ઝમબર્ગ (55.7), નૉર્વે (53.7), યુનાઇટેડ આરબ એમિરેટ્સ (52.5), આયરલૅન્ડ (52.4), અમેરિકા (52.2), ડેન્માર્ક (52), નેધરલૅન્ડ્સ (52) અને ઑસ્ટ્રેલિયા (51.7)નો નંબર આવે છે.
આ લિસ્ટમાં 30.5 નંબર સાથે ભારતનું સ્થાન ૭૫મા ક્રમાંકે છે. નવાઈની વાત એ છે કે ચીન (36.1), બંગલાદેશ (31.5) અને પાકિસ્તાન (30.9) આપણા કરતાં ઉપરના ક્રમાંકે છે અને એમના ક્રમાંક અનુક્રમે ૪૧, ૬૮ અને ૭૨મા છે.