પ્લેનનું કલાકનું ભાડું માત્ર ૧૦૦૦ પાઉન્ડ

26 January, 2022 08:49 AM IST  |  Cirencester | Gujarati Mid-day Correspondent

કોટ્સવોલ્ડ્સ ઍરપોર્ટના માલિકોએ પાંચ લાખ પાઉન્ડ (લગભગ ૫૦૪.૦૮ લાખ  રૂપિયા) ખર્ચીને મસમોટા પ્લેનને એકદમ વૈભવી પાર્ટી પ્લેનમાં ફેરવ્યું છે

પ્લેન

મહામારીને કારણે સેવાનિવૃત્ત થયેલું બ્રિટિશ ઍરવેઝનું ૭૪૭ માત્ર એક પાઉન્ડ (લગભગ ૧૦૦.૮૨ રૂપિયા)માં ખરીદ્યા બાદ એને એક પૉશ-વૈભવી પાર્ટી પ્લેનમાં ફેરવવામાં આવ્યું હતું, જે કલાકના પ્રતિ ૧૦૦૦ પાઉન્ડ (લગભગ ૧૦૦૮૧૫.૫૦ રૂપિયા)માં ભાડે મળે છે. 
કોટ્સવોલ્ડ્સ ઍરપોર્ટના માલિકોએ પાંચ લાખ પાઉન્ડ (લગભગ ૫૦૪.૦૮ લાખ  રૂપિયા) ખર્ચીને મસમોટા પ્લેનને એકદમ વૈભવી પાર્ટી પ્લેનમાં ફેરવ્યું છે, ગ્લૉસેસ્ટરશરના ખાનગી માલિકીના ઍરપોર્ટ પર આ પ્લેનને લોકો તેમની લગ્નતિથિ કે અન્ય કાર્યક્રમની ઉજવણી માટે ભાડે લઈ શકે છે. 
કંપનીએ પ્લેનના મોટા હિસ્સાને મ્યુઝિયમ તરીકે જાળવ્યો છે, જેનો પ્રવાસ કે શૈક્ષણિક મુલાકાત તરીકે ઉપયોગ થાય છે. 
કોરોના વાઇરસની મહામારી અને પ્રવાસ ઉદ્યોગ પર એની માઠી અસરને કારણે ‘બીએ નેગસ’ને ૨૦૨૦માં એની અંતિમ ફ્લાઇટ પછી કાફલામાંથી દૂર કરવામાં આવ્યું હતું.
નેગસ ૧૯૯૪ની ૧૫ ફેબ્રુઆરીએ બ્રિટિશ ઍરવેઝના કાફલામાં જોડાયું હતું. અત્યાર સુધી આ પ્લેને ૧,૧૮,૪૪૫ કલાકમાં ૬ કરોડ માઇલનો પ્રવાસ કરીને ૧૩,૩૯૮ ફ્લાઇટ્સ ઉડાડી છે. એની છેલ્લી ફ્લાઇટ ૨૦૨૦ની ૬ એપ્રિલે મિયામીથી હિથ્રો જવા રવાના થઈ હતી. 

offbeat news international news