09 April, 2026 09:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી નોટો છપાતી ન હોવાથી ફાટેલી નોટો દરજી પાસે રફુ કરાવી ફરી વપરાય છે સોમાલિયામાં
દરજી પાસે કંઈક સીવડાવવા માટે આપણે નાણાં આપીએ છીએ, પરંતુ સોમાલિયામાં તો અનેક લોકો નાણાં સીવડાવવા માટે એક દરજી પાસે જાય છે. વાત એમ છે કે સોમાલિયામાં એક દરજીએ નવો ધંધો શરૂ કર્યો છે - જૂની અને ફાટેલી નોટો સીવી આપવાનો. તે મશીન પર રફુ કરતો હોય એમ ચલણી નોટોને સીવી આપે છે. એનું કારણ એ છે કે આર્થિક સંકટને કારણે સોમાલિયામાં સેન્ટ્રલ બૅન્ક નોટ છાપી નથી શકતી. જૂની નોટો ફાટી રહી છે. એવામાં ફાટેલી નોટો બદલવાનો લોકો પાસે કોઈ વિકલ્પ નથી. એટલે એક દરજીએ ચલણી નોટો સીવવામાં નિપુણતા કેળવી છે. આ નવી સ્કિલથી તેની પાસે ગ્રાહકોની લાઇન લાગવા લાગી છે. આ દરજીભાઈ સોય-દોરાથી એવી સરસ રીતે ફાટેલી નોટોને રફુ કરી આપે છે કે એ નવા જેવી જ લાગે છે. આ પ્રકારની સીવેલી નોટો પણ અહીં ચલાવી લેવામાં આવે છે. નવી નોટ છપાતી જ ન હોવાથી જૂની અને ફાટેલી નોટોની કિંમત બહુ વધી ગઈ છે. જો નોટ ફાટી જાય તો એ બેકાર થઈ જશે અને એવું સોમાલિયાવાસીઓને જરાય પરવડે એમ નથી. એટલે આ દરજીભાઈ એવા ઝીણા દોરા ભરીને ફાટેલી નોટોને નવું જીવન આપે છે કે એ ચલણમાં ચાલી જાય છે.