24 December, 2025 02:41 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
‘વૉકિંગ સિંહ’
‘વૉકિંગ સિંહ’ તરીકે જાણીતા બનેલા ભારતીય મૂળના ગુરમીત સિંહ સિધુ હમણાં યુરોપમાં છવાયેલા છે. ગયા વર્ષે તેઓ ૫.૮ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને ‘ગોઇંગ ધ ડિસ્ટન્સ’ કૅટેગરીમાં મૂવેમ્બર યુકે અને યુરોપ અવૉર્ડ 2025 જીત્યા હતા. અત્યારે પુરુષોના મેન્ટલ હેલ્થ માટે અને પુરુષોમાં આત્મહત્યાના વધતા પ્રમાણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમણે ૭૧૦ કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરવાની ચૅલેન્જ પૂરી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘વિશ્વભરમાં દર કલાકે આત્મહત્યામાં ૬૦ પુરુષો મૃત્યુ પામે છે એટલે કે દર મિનિટે એક પુરુષ સુસાઇડ કરી રહ્યો છે. આ આંકડાને પ્રતીક તરીકે દર્શાવવા માટે મૂળ ટાર્ગેટ તો ૬૦૦ કિલોમીટરનો હતો, પણ ૭૧૦ કિલોમીટરનો પ્રવાસ પૂરો કરીને અમે ૩૦૦૦ યુરોની ચૅરિટી ભેગી કરી છે.’ યુરોપના આ વૉકિંગ સિંહે ૩૦ દિવસમાં ૩૦ લાંબા રૂટ પૂરા કરીને ૭૧૦ કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કર્યું હતું. દરરોજ સરેરાશ ૨૪ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. સાથોસાથ તેમણે સ્કૂલમાં ભણાવવાનું કામ તો ચાલુ જ રાખ્યું હતું. ઘણી વાર રાતે ત્રણ વાગ્યે તેઓ દિવસ શરૂ કરતા તો ઘણી વાર રાતે ત્રણ વાગ્યે દિવસ પૂરો થતો. ઘૂંટણ દુખવા લાગ્યાં, પગ છોલાઈ ગયા; ઠંડી, થાક, વરસાદ બધું સહન કરી લીધું પણ તેમણે ટાર્ગેટ પરથી નજર હટવા નહોતી દીધી.
ગુરમીત સિંહનું કહેવું હતું કે તેમણે નજીકના મિત્રો અને પરિવારો તેમ જ ભણતી વખતે ઘણા આશાસ્પદ યુવાનોને જીવન ટૂંકાવતા જોયા હતા જેનાથી તેઓ વિચલિત હતા.