24 May, 2025 07:14 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બેગની તસવીર
ભારતમાં લગભગ દરેકના ઘરે જોવા મળતો શોપિંગ થેલો (Indian Souvenir Bag) કે જેની કિંમત એકદમ નગણ્ય હોય છે. એવો આ થેલો અમેરિકામાં ઊંચી કિંમતે વેચાઈ રહ્યો હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. ત્યારથી જાણે આ સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ભારતમાં ઠેરઠેર દુકાનોમાં ખૂબ જ ઓછી કિંમતે અથવા તો ઘણીવાર મફતમાં મળતી થેલો અમેરિકામાં મોટી કિંમતે મળી રહ્યો છે. ભારતમાં તો આવા થેલા ઘરમાં એમનેમ પડેલા મળતા હોય છે.
આ જ થેલા અમેરિકાના લગ્ઝરી સ્ટોર નોર્ડસ્ટ્રોમમાં ૪૮ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૪,૧૦૦માં વેચાઈ રહ્યો છે. જાપાની બ્રાન્ડ પ્યુબ્કોએ આ થેલાને સરસ નામ પણ આપ્યું છે. તે `ઇન્ડિયન સોવેનીયર બેગ` (Indian Souvenir Bag) તરીકે વેચાય છે.
નોર્ડસ્ટ્રોમની વેબસાઇટ પર આ થેલો મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે
જોકે, આ જોઈને ભારતીયો હસવું રોકી શકતા નથી. ભારતમાં જે અતિ સામાન્ય ગણાય છે તે વિદેશમાં સ્પેશ્યલ બની જતાં ભારતીયો એકબાજુ ગર્વ પણ પણ અનુભવી રહ્યા છે.
ભારતમાં તો આ પ્રકારના થેલા (Indian Souvenir Bag) સરળતાથી કોઈપણ પર દુકાનમાં મળી જાય છે. જેના પર સુંદર અક્ષરે જે તે દુકાનનું નામ લખેલું હોય છે. પછી તે `રમેશ સ્પેશિયલ નમકીન`, હોય કે `વનિતા સ્વિટસ` હોય. મોટેભાગે એકસાથે ઘણી બધી વસ્તુ અથવા તો વજનદાર વસ્તુઓ લઈ જવા માટે આ પ્રકારની બેગનો આપણે ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી આવી બેગ તો કરિયાણાની દુકાનોમાં ફ્રીમાં જ મળી છે.
સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ વાંચીને લોકો ભાતભાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે- "જેને આપણે હલકામાં લઈએ છીએ, તે હવે વિદેશી બજારમાં ટ્રેન્ડ બની ગયું છે` તો વળી એક જણ લખે છે કે - `આ થેલીનો ઉપયોગ શાકભાજી લેવા માટે થાય છે. બહારના લોકો તેને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ગણી રહ્યા છે!` એકે તો લખ્યું છે કે "આ તે જ થેલી છે જેની પર પગ મૂકીને અમે ઘરમાં એન્ટર થઈએ છીએ"
વળી કોઈક યુઝરે એવું પણ લખ્યું છે કે - "પાંચ હજાર બેગ લઈ આવો અને નોર્ડસ્ટ્રોમને ટક્કર આપો.”
જો કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે વિદેશમાં આ પ્રકારનું કઇ પહેલવહેલું નથી બન્યું,. ભૂતકાળમાં પબં પણ ભારતીય સ્ટાઈલના કપડાં, વાસણો અને ઝવેરાત વિદેશી બ્રાન્ડ્સ દ્વારા અતિશય મોંઘી કિંમતે વેચવામાં આવતા જ હતા.
ગમે તે હોય પણ ઘણા ભારતીયો તો માત્ર એ જ વાત પર છાતી ફુલાવી રહ્યા છે કે ભારતની રોજિંદી અને કોમન વસ્તુઓ (Indian Souvenir Bag) વૈશ્વિક બજારમાં કેટલી ખાસ અને વિશિષ્ટ દરજ્જો પામી રહી છે.
આમ જોવા જઇએ તો આ પ્રકારની બેગ કે થેલાથી તો દરેક ભારતીયોની બાળપણની યાદોનો જોડાયેલી છે.