Indigo Flightમાં મુસાફરને સીટ પર બેસતાં જ લાગ્યો આંચકો, જાણીને તમેય દંગ રહી જશો

19 March, 2025 09:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Indigo Flight Seat Starts Swinging Mid-Air: નવી દિલ્હીથી લખનઉ જતી ઇન્ડિગો વિમાનમાં એક મુસાફરને મિની હાર્ટ એટેક જેવો અનુભવ થયો. આ ઘટના વિમાનમાં મુસાફરી કરી રહેલા દક્ષ સેઠી સાથે બની હતી, જેણે આ સમગ્ર ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

નવી દિલ્હીથી લખનઉ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક મુસાફરને મિની હાર્ટ એટેક જેવો અનુભવ થયો જ્યારે તેની સીટમાં અચાનક આંચકો આવ્યો અને સીટ પાછળ ખસી ગઈ. આ ઘટના વિમાનમાં મુસાફરી કરી રહેલા દક્ષ સેઠી સાથે બની હતી, જેણે આ સમગ્ર ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.

ઉડાન દરમિયાન અચાનક સીટમાં આવ્યો આંચકો

Indigo Flight Seat Starts Swinging Mid-Air: દક્ષ સેઠીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં જણાવ્યું કે વિમાને ઉડાન ભરી તે જ સમયે બધાં મુસાફરો પોતાના કામમાં વ્યસ્ત હતા. અચાનક સેઠી અને બે અન્ય મુસાફરોની આખી સીટ હલી ગઈ અને પાછળ ખસી ગઈ. આ વિશે વાત કરતાં સેઠીએ કહ્યું, "જેમ જેમ વિમાન ઊડી રહ્યું હતું, તેમજ અચાનક અમારી સીટ પાછળ ખસી આવી. એ ક્ષણમાં એવું લાગ્યું કે જાણે વિમાનના અંદર ફ્રી ફૉલ થઇ રહ્યું છે. એ ક્ષણ માટે હાર્ટ એટેક જેવો અનુભવ થયો. આ ખૂબ જ ખરાબ અનુભવ હતો. પ્લેનની અંદર એવું બનવું એ બિલકુલ આશ્ચર્યજનક છે."

સેઠીનું કહેવું છે કે "આવી ઘટના મેં ક્યારેય જોઈ ન હતી"

દક્ષ સેઠીએ જણાવ્યું કે તેણે અગાઉ ક્યારેય આવી ઘટના અનુભવી ન હતી, ભલે તોફાની હવામાન હોય કે વિમાનમાં ભારે હલચલ. સેઠીએ જણાવ્યું કે જ્યારે તેણે જોયું ત્યારે ખબર પડી કે તેમની સીટ એક જ નટ-બોલ્ટ પર હતી, જેના કારણે આ તે ખસ્વા લાગી હતી. વિમાનના બીજા મુસાફરે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો. સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરતા દક્ષ સેઠીએ આ ઘટનાને `મિની હાર્ટ એટેક` જેવો અનુભવ ગણાવ્યો હતો. 

ક્રૂની ઝડપી પ્રતિક્રિયા

સેઠીએ ઇન્ડિગો ક્રૂના ઝડપી પ્રતિસાદ માટે પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ક્રૂએ તરત જ તેને બીજી સીટ પર ખસેડી દીધા અને ખાતરી આપી કે વિમાન લેન્ડ થયા પછી સ્ટાફ આ સમસ્યાનો ઉપાય કરશે.

સેઠીએ મહત્વનો મુદ્દો ઊઠાવ્યો

આ ઘટનાને બાકી લોકો સામાન્ય કહી શકે છે, પરંતુ સેઠીએ ચેતવણી આપતા જણાવ્યું કે "આ ઘટના સામાન્ય લાગી શકે છે, પણ કલ્પના કરો કે જો આ સીટ પર કોઈ વૃદ્ધ વ્યક્તિ કે જેની તબિયત નબળી હોય તે બેઠી હોય તો શું થઈ શકે?"

ઇન્ડિગોનું  નિવેદન

આ ઘટનાની સમજૂતી આપતા ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે, "અમે 6E 2376 નવી દિલ્હીથી લખનઉ જતી ફ્લાઇટમાં બેઠેલી સીટ વિશે ગ્રાહકે કરેલી ફરિયાદથી વાકેફ છીએ. અમારા ક્રૂ દ્વારા તરત જ ગ્રાહકને અન્ય સીટ આપવામાં આવી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને અમે થયેલી અસુવિધા માટે ક્ષમા માગીએ છીએ."

indigo delhi airport social media viral videos offbeat videos offbeat news