21 January, 2025 01:08 PM IST | New York | Gujarati Mid-day Correspondent
આ એવા જંતુઓ છે જે ૧૩થી ૧૭ વર્ષ સુધી જમીનની નીચે ઈંડામાં સુષુપ્ત અવસ્થામાં રહે છે
એક વૈજ્ઞાનિક રિપોર્ટ પ્રમાણે લાલ આંખોવાળા એકથી દોઢ ઇંચના ‘બ્રુડ 14’ નામ ધરાવતા કિકેડ્સ ૧૭ વર્ષ પછી આવનારી વસંત ઋતુમાં અમેરિકાનાં ૧૩ સ્ટેટ્સમાં કરોડોની સંખ્યામાં દેખા દેશે.
પૃથ્વીની બહાર ક્યાંક બીજા જીવો છે એને આપણે એલિયન કહીએ છીએ. જોકે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં ઈસ્ટ અમેરિકાના લોકો એક જુદા જ પ્રકારના એલિયનને જોશે. આ એવા જંતુઓ છે જે ૧૩થી ૧૭ વર્ષ સુધી જમીનની નીચે ઈંડામાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. અસામાન્ય લાઇફ સાઇકલ ધરાવતા જંતુઓ ૧૭ વર્ષ સુધી જમીનની નીચે સુષુપ્તાવસ્થામાં રહ્યા બાદ આ વર્ષે દેખાશે. અત્યારે તેઓ જમીનની નીચે ઍક્ટિવ છે અને એપ્રિલથી જૂન વચ્ચે પૂર્વ અમેરિકામાં દેખાશે, જે આસપાસમાં રહેતા પાંચ કરોડ લોકોને અસર કરશે.
એકથી દોઢ ઇંચના લાલ આંખવાળા આ જંતુઓ જ્યારે જમીનની નીચેનું તાપમાન ૬૪ ડિગ્રી ફૅરનહાઇટથી વધે ત્યારે જમીન પર દેખાય છે. અત્યારે આ બાબત અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે જ્યારે ૧૭ વર્ષ પહેલાં આ જંતુઓ દેખાયા હતા ત્યારે લોકો માટે એ ભયંકર ત્રાસદાયક સાબિત થયા હતા. આ પ્રજાતિમાં માદા જંતુને પોતાની તરફ આકર્ષવા નર જંતુ જે મોટો અવાજ કરે છે એ ઘાસ કાપવાના મશીન જેવો છે અને વર્ષો પહેલાં એટલો બધો અવાજ થયો હતો કે અસામાન્ય એરિયલ નૉઇસ માટે અનેક પોલીસ-ફરિયાદ થઈ હતી. પછી તપાસ કર્યા બાદ આ અસામાન્ય અવાજ આ કિકેડ્સ જંતુઓનો છે એ જાણવા મળ્યું હતું. આ જંતુઓનો અવાજ અમુક લોકો માટે ત્રાસદાયક સાબિત થાય છે, બાકી બીજી કોઈ રીતે આ જંતુઓ માણસો કે પશુ-પંખીઓ માટે જોખમકારક નથી.