27 September, 2026 03:22 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
ઇટલીમાં ડેપ્યુટી PMની ટિપ્પણી સામે મહિલા સેનેટરોનો વિરોધ
ઇટલીના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશ પ્રધાન ઍન્ટોનિયો તાઝાનીને મહિલાઓનાં કપડાં પર ટિપ્પણી કરવા બદલ તીવ્ર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જે મહિલાઓ લાંબું સ્કર્ટ પહેરે છે તે વધુ વફાદાર હોય છે. ઍન્ટોનિયાની આ ટિપ્પણી પર વિપક્ષી રાજનેતાઓએ કડક પ્રતિક્રિયા આપી અને ઇટલીની સંસદમાં વિરોધ-પ્રદર્શન આરંભ્યું. વિપક્ષી મહિલા સંસદસભ્યો વિરોધ માટે ટૂંકાં સ્કર્ટ્સ પહેરીને જોવા મળી. ઍન્ટોનિયોએ એક કાર્યક્રમમાં કહેલું કે ‘જો મારે કોઈ યુવાનને સલાહ આપવાની હોય કે કેવી મહિલા સાથે લગ્ન કરવાં તો હું તેને ઓછી આકર્ષક પરંતુ વધુ વિશ્વસનીય, વધુ ગંભીર મહિલાનું સૂચન કરીશ. તે ચોક્કસપણે સારી મા હશે. લાંબા સ્કર્ટમાં એક ઓછી સુંદર મહિલા લગ્ન કરવાનું વચન નિભાવશે અને ઘરમાં સ્થિરતા સુનિશ્ચિત કરશે.’
ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની આ ટિપ્પણી પર ઇટલીના રાજનેતાઓની તીખી પ્રતિક્રિયાઓ સોશ્યલ મીડિયામાં જોવા મળી રહી છે. એક ઇટાલિયન પોલિટિશ્યને પોતાનો ટૂંકા સ્કર્ટમાં ફોટો શૅર કરીને સવાલ કર્યો હતો, ‘શું હું વિશ્વસનીય મહિલા નથી? શું હું એક સારી પારિવારિક મા નથી?’