14 September, 2026 10:49 AM IST | raigarh | Gujarati Mid-day Correspondent
જિંદલ સ્ટીલ લિમિટેડ
છત્તીસગઢના રાયગઢમાં જિંદલ સ્ટીલે ભારતીય વૈજ્ઞાનિકો સાથે મળીને એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કંપનીએ ફૅક્ટરીઓમાંથી નીકળતા, સ્ટીલ સ્લૅગ કહેવાતા સ્ટીલના કચરાનો ૧૦૦ ટકા ઉપયોગ કરીને ૧.૮૫ કિલોમીટર લાંબી ૪ લેનની સડક બનાવી છે. સંપૂર્ણપણે પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લૅગમાંથી બનેલી આ વિશ્વની સૌથી લાંબી સડક હોવાથી એનું નામ સીધું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાઈ ગયું છે.
‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન)ના વિચારને સાકાર કરતો આ પ્રોજેક્ટ દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ અનોખા રસ્તાના નિર્માણમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેક્નૉલૉજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. આ રસ્તાના નિર્માણમાં આશરે બે લાખ ટન પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લૅગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે કુદરતી પથ્થરોના ખનન (માઇનિંગ) પરની નિર્ભરતા પૂરી થઈ છે.
આ સડક માત્ર દેખાવ પૂરતી નથી, ભારે કમર્શિયલ ટ્રકો અને ટ્રેલરોની અવરજવર સરળતાથી ઝીલી શકે એટલી મજબૂત બનાવવામાં આવી છે.
પરંપરાગત રસ્તાઓની સરખામણીએ આ સડક લગભગ ૩૫ ટકા પાતળી છે અને એના નિર્માણખર્ચમાં આશરે ૪૦ ટકા જેટલી મોટી બચત થઈ છે.