12 March, 2025 05:17 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ગુનેગાર બોયફ્રેન્ડ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવમ વર્મા ઉર્ફે રૉક્સી નામના બૉયફ્રેન્ડે સોમવારે બપોરે ત્રણ વાગ્યે તેની ગર્લફ્રેન્ડને તેના ઘરે બોલાવી હતી અને ધારદાર હથિયારથી માત્ર ૧૧ મિનિટમાં નિર્મમ રીતે તેની હત્યા કરી હતી. પછી ગર્લફ્રેન્ડની સહેલીને ફોન કરીને કહ્યું હતું કે મેં તારી દોસ્તને મારી નાખી છે, તેને પોતાની ખૂબસૂરતી પર ઘમંડ હતો; તેના પિતાને પણ આ જણાવી દેજે. આમ કહીને શિવમે ફોન કાપી નાખ્યો હતો.
પોલીસ અને છોકરીના પિતા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આ યુવતીનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. શિવમ પૅથોલૉજી લૅબોરેટરીમાં કામ કરે છે અને યુવતીના ઘરની પાસે રહેતો હોવાથી તેમની વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થયો હતો. ૧૭ વર્ષની છોકરી ઇન્ટરમીડિયેટમાં ભણતી હતી. સોમવારે બપોરે સહેલી સાથે ખરીદી કરવા જાઉં છું એમ કહીને તે પ્રેમી શિવમને મળવા નીકળી હતી. શિવમે તેના ઘરમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. તેની ડેડ-બૉડી પાસેથી ચાકુ પણ મળી આવ્યું હતું.