06 November, 2025 04:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઘરેણાં
જ્યારે બજેટમાં બાંધેલા હાથ સાથે ચાલતો પરિવાર હોય અને એકાદ વ્યક્તિની કોઈ નવી ચીજ ખરીદવાની ડિમાન્ડ નીકળે ત્યારે કફોડી હાલત થઈ જતી હોય છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પરિવારમાં દીકરો સ્કૂટી ખરીદવાની જીદ કરી રહ્યો હતો અને મા પાસે પૈસા નહોતા. દીકરાએ બહુ જીદ કરી તો માએ ઇમોશનલ થઈને કહ્યું કે બેટા, પૈસા નથી, મારાં ઘરેણાં વેચી નાખે તો ઠીક. જોકે એ પછી પણ દીકરાને પોતાને જે જોઈતું હતું એ મેળવવું જ હતું. તેણે ચૂપચાપ માનાં ઘરેણાં લીધાં અને ઝવેરીને ત્યાં વેચવા પહોંચી ગયો. કોઈ ટીનેજર એકલો જ્વેલરી વેચવા આવે એ ઝવેરી માટે નવાઈ જ હોય. દુકાનદારે વાત-વાતમાં પરિવારજનોનો નંબર લીધો અને તેમને ફોન કરીને જણાવ્યું કે તમારો દીકરો દાગીના વેચવા આવ્યો છે. કાનપુરના સરાફા બાઝારમાં છેલ્લા એક મહિનામાં આવા ૩ કિસ્સા સામે આવ્યા છે. દુકાનદારોની સમજદારીને કારણે પરિવારોનું સોનું બચી જાય છે, પરંતુ ચિંતા એ છે કે આજની જનરેશન જોઈતી ચીજો મેળવવા માટે કઈ હદે ઊતરી જાય છે?