૮,૧૬,૨૨૯ રૂપિયાની સૌથી મોટી રોટલી બનાવવાની કોશિશ થઈ, પણ સફળ ન થઈ

18 November, 2025 01:16 PM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

આ બધો તાયફો કરવામાં ૧૧,૯૦,૯૩૭ કેન્યાઈ શિલિંગ એટલે કે લગભગ ૮,૧૬,૨૨૯ રૂપિયાનો ખર્ચ ઑલરેડી થઈ ગયો હતો. 

કેન્યામાં મૂળ યુગાન્ડાના એક કન્ટેન્ટ-ક્રીએટર રેમન્ડ કાહુમાએ પણ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવાનું બીડું ઝડપ્યું હતું

સૌથી મોટી ચીજ બનાવવાની અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવવાની હોડ દુનિયાના દરેક દેશમાં જામી છે. કેન્યામાં મૂળ યુગાન્ડાના એક કન્ટેન્ટ-ક્રીએટર રેમન્ડ કાહુમાએ પણ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. એ માટે તેણે ખૂબ મહેનત કરી હતી, પણ રેકૉર્ડ બની શક્યો નહોતો. વિશાળ રોટલી માટે રેમન્ડભાઈએ ૨૦૦ કિલો વજન નિર્ધારિત કર્યું હતું અને એ માટે જાયન્ટ તવો બનાવવામાં આવ્યો અને એ તવાને ચારે તરફથી બરાબર ગરમી આપી શકાય એવો ચૂલો પણ નવો બનાવવો પડ્યો. ૨૦૦ કિલોની રોટલી બનાવવા માટે લોટ, પાણી બધું મિક્સ કરીને લોટ ગૂંદી લેવામાં આવ્યો. પાંચથી વધુ લોકોએ મળીને રોટલી વણી પણ ખરી, પણ છેલ્લી ઘડીએ ધબડકો થઈ ગયો. છેલ્લી ઘડીએ રોટલી તવા પરથી પલટી જ ન થઈ એને કારણે રોટલી એક તરફથી કાચી રહી ગઈ અને રેકૉર્ડ બનાવવાનું સપનું તહસનહસ થઈ ગયું. આ બધો તાયફો કરવામાં ૧૧,૯૦,૯૩૭ કેન્યાઈ શિલિંગ એટલે કે લગભગ ૮,૧૬,૨૨૯ રૂપિયાનો ખર્ચ ઑલરેડી થઈ ગયો હતો. 

offbeat news kenya international news world news guinness book of world records