12 March, 2025 04:36 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
વૉટર ફાસ્ટિંગ કરતી ટીનેજેર શ્રીનંદા
કેરલાના કન્નુરના કુથુપરમ્બાની ૧૮ વર્ષની શ્રીનંદા નામની ટીનેજરનું મૃત્યુ વૉટર ફાસ્ટિંગ એટલે કે માત્ર પાણી પર જીવવાથી થયું હતું. વજન ન વધે એ માટે આ છોકરી છેલ્લા છ મહિનાથી માત્ર ગરમ પાણી પીને જીવતી હતી અને તેણે અન્નનો એક પણ દાણો ખાધો નહોતો. વજન ઉતારવાની તેની ઘેલછામાં છેલ્લે-છેલ્લે તેનું વજન માત્ર ૨૪ કિલો રહ્યું હતું અને વેન્ટિલેટર પર રાખવા છતાં તેને બચાવી શકાઈ નહોતી. આ છોકરી કૉલેજના પહેલા વર્ષમાં ભણતી હતી અને સોશ્યલ મીડિયા અને યુટ્યુબ પર ડાયટિંગના વિવિધ વિડિયો જોઈને તે વજન ન વધે એ માટે ડાયટપ્લાન ફૉલો કરતી હતી. ઑનલાઇન પોર્ટલથી પ્રભાવિત થઈને તેણે એક્સ્ટ્રીમ વૉટર ફાસ્ટિંગ શરૂ કરી દીધું હતું જેને કારણે ઍનોરેક્સિયા નર્વોસા (Anorexia Nervosa)ની જટિલતાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ એક એવી બીમારી છે જેમાં પીડિત લોકો પોતાના વજન વિશે વધારે વિચારે છે અને જમવાનું છોડી દેતા હોય છે. તેમને પોતાનું વજન બીજા કરતાં વધારે જ લાગતું હોય છે. શ્રીનંદાના જીવનના છેલ્લા ૧૨ દિવસ તેને સરકારી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી હતી. તેનું શુગર-લેવલ, સોડિયમ અને બ્લડ-પ્રેશર ઘણું ઓછું થયું હતું. તે વેન્ટિલેટર પર હોવા છતાં તેની હાલતમાં સુધારો થયો નહોતો અને તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.