12 July, 2025 02:46 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમ
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઇમૅક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટબેન્ચર્સને ટૉપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બૅકબેન્ચર્સને મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે મલયાલમ ભાષાની ફિલ્મ ‘સ્થાનાર્થી શ્રીકુટ્ટન’ના ક્લાઇમૅક્સ સીનમાં U-આકારનો ક્લાસરૂમ દર્શાવવામાં આવ્યો હતો જ્યાં ટીચર વચ્ચે ઊભા રહે છે અને ક્લાસના દરેક સ્ટુડન્ટ પર એકસરખું ધ્યાન આપે છે.
સામાન્ય રીતે સ્કૂલોમાં ક્લાસરૂમો એસેમ્બલી લાઇન જેવી ડિઝાઇન કરવામાં આવે છે જેમાં ફ્રન્ટ બેન્ચની સામે ટીચર હોય છે અને પછીની હરોળમાં સ્ટુડન્ટ્સ બેસતા હોય છે.
વિનેશ વિશ્વનાથની આ પહેલી ફિલ્મ ૪ તોફાની સ્ટુડન્ટ્સની આસપાસ ફરે છે. આ ફિલ્મ ૨૦૨૪ની બાવીસમી નવેમ્બરે સિનેમાગૃહોમાં રિલીઝ થઈ હતી અને ૨૦ જૂને OTT પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ થયા બાદ કેરલાની સ્કૂલોમાં આ ફેરફાર જોવા મળ્યો હતો.
‘સ્થાનાર્થી શ્રીકુટ્ટન’ના ક્લાઇમૅક્સ દૃશ્યથી પ્રેરિત થઈને કેરલાની ઘણી સ્કૂલો હવે નવી બેઠક-વ્યવસ્થા અપનાવી રહી છે, જેમાં સ્કૂલો ખાતરી કરી રહી છે કે કોઈ બૅકબેન્ચર ન હોય. નવી બેઠક-વ્યવસ્થા અર્ધવર્તુળ જેવી દેખાય છે જેમાં બધા સ્ટુડન્ટ્સ U-આકારમાં બેઠા છે, જેને કારણે બધા સ્ટુડન્ટ્સને ટીચર જોઈ શકે છે. આ સિટિંગ-વ્યવસ્થામાં કોઈ પણ સ્ટુડન્ટને પોતાને અવગણવામાં આવે છે કે ઉપેક્ષિત થવાની લાગણી લગભગ અશક્ય છે.