29 September, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિમ્બર્લી કેલ્સો ફાયર-ફાઇટર
અગ્નિશમન દળ અથવા તો અચાનક આવનારી આપત્તિઓમાં રેસ્ક્યુઅર તરીકે કામ કરતા ફાયર-ફાઇટર બનવું હોય તો વ્યક્તિએ ફિઝિકલી ફિટ અને ચોક્કસ કદકાઠી ધરાવતા હોવું જરૂરી છે. જોકે અમેરિકામાં કિમ્બર્લી કેલ્સો નામની યુવતી દુનિયાની સૌથી ટચૂકડી મહિલા
ફાયર-ફાઇટર બની છે. તે જસ્ટ ૪ ફુટ ૧૦ ઇંચની છે એટલે સહકર્મચારીઓ તેને લાડથી સ્પાઇડર મન્કી કહે છે. કિમ્બર્લી છેલ્લાં પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે. ભલે તેનું કદ નાનું છે, પરંતુ તાકાત અને હિંમત ભરપૂર છે. એને કારણે જરૂર પડે ત્યારે નાની બારીઓ કે પાતળી જગ્યાઓમાંથી અંદર જવામાં તેનું ટચૂકડું કદ મદદરૂપ થાય છે. જોકે રેસ્ક્યુ માટે ભારેખમ મશીનો ઊંચકીને અંદર જવાનું હોય ત્યારે તેને થોડીક મુશ્કેલી પડે છે. કિમ્બર્લી ૨૦ વર્ષની ઉંમરથી કૉર્પોરેટમાં જૉબ કરતી હતી, પણ તેને એમાં મજા નહોતી આવતી એટલે તેણે બચાવદળમાં જોડાવાનું નક્કી કર્યું, તાલીમ લીધી અને જોડાઈ ગઈ. થોડા મહિના પહેલાં સહકર્મચારીઓ તેના નાના કદને લઈને મજાકમસ્તી કરી રહ્યા હતા ત્યારે કોઈકને સૂઝ્યું કે વિશ્વનો સૌથી ટચૂકડો ફાયર-ફાઇટર કોણ છે? એની તપાસ કરતાં ખબર પડી કે કિમ્બર્લીની હાઇટ મુજબ તે સૌથી ટચૂકડી મહિલા ફાયર-ફાઇટર માટે લાયક છે. બસ, પછી તો એની નોંધ માટે ગિનેસમાં અરજી કરવામાં આવી અને તાજેતરમાં તેને સૌથી ટચૂકડી મહિલા ફાયર-ફાઇટરના ખિતાબથી નવાજવામાં આવી. સૌથી ટચૂકડો પુરુષ ફાયર-ફાઇટર ૪ ફુટ બે ઇંચનો છે.