Kumbh Mela Viral Video: મહિલાએ ઘરે બેઠેલા પતિદેવને ગંગામાં ડૂબકી લેવડાવવા ફૉનને જ ડૂબાડી નાખ્યો

25 February, 2025 11:20 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

Kumbh Mela Viral Video: એક મહિલાએ તેના પતિને વીડિયો કોલ કર્યો અને પછી તેમાં જોઈ રહેલા પોતાના પતિને જાણે ડૂબકી લગાવડાવતી હોય એમ ફૉન પાણીમાં ડૂબાડી નાખ્યો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

Kumbh Mela Viral Video: મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી રહ્યા છે. સામાન્ય ભાવિકો તો ખરાં જ સાથે સેલેબઝ પણ ત્યાં પહોંચી રહ્યા છે. આ વચ્ચે એવા વિડીયો અને ખબરો સામે આવે છે જેને લોકોની આસ્થા કહેવી કે ગાંડપણ, એ સમજી નથી શકાતું. હા, તાજેતરમાં એક મહિલા કુંભમાં પહોંચી હતી. પણ તેનો પતિ સાથે આવ્યો નહોતો. તે ઘરે જ રોકાયો હતો. 

ઘરે બેઠેલાં પોતાના પતિને ગંગામાં ડૂબકી મરાવવા આ બહેને જબરો જુગાડ શોધી (Kumbh Mela Viral Video) કાઢ્યો. તેણે તેના પતિને `વર્ચ્યુઅલ` ડૂબકી લગાડવાનું નક્કી કર્યું. અને, તમે માનશો નહીં પણ આ મહિલાએ તેના પતિને વીડિયો કોલ કર્યો અને પછી તેમાં જોઈ રહેલા પોતાના પતિને જાણે ડૂબકી લગાવડાવતી હોય એમ તેણે પોતાનો ફોન સંગમના પાણીમાં ડૂબાડી નાખ્યો.

હા, શિલ્પા ચૌહાણ નામની વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે આ મહિલા પોતાનો ફોન પકડીને તેના પતિને પાણીમાં ડૂબાડતી હોય એમ પોતાના ફૉનને પાણીમાં વહેડાવી નાખે છે.

સોશિયલ મીડિયામાં આ વિડીયો (Kumbh Mela Viral Video) ભારે વત્રલ થયો છે. આ વિચિત્ર વર્તન પર લોકો પણ વિચિત્ર કમેન્ટ્સ કરવાનું ચૂક્યા નથી. આવો, કેટલીક કમેન્ટ્સની વાત કરીએ. 

એક યુઝરે મજાકમાં કહ્યું કે, જો તેના હાથમાંથી ફોન લપસી ગયો હોત તો તેના પતિને તરત જ મોક્ષ પ્રાપ્ત થઈ ગયો હોત. 

તો કોઈ એમ લખે છે કે, "ભાઈ (તેના પતિને સંબોધતા)ને કપડાં બદલવા અને વાળને સરખી રીતે સૂકવવા કહો, નહીં તો તેને ઠંડી ચડી જશે"

એક મહાશય તો એવું કહે છે કે, "આજે આ ભાઈએ કુંભમાં ઓનલાઇન સ્નાન કરીને પોતાનાં પાપો ધોયા".

એકે તો આખા ઇન્સ્ટાગ્રામે પણ નાહી લીધું એમ કહીને આ બહેનનો આભાર માન્યો છે.  

તો કોઈએ ટિપ્પણી કરી છે કે "હું તો ફાલતુમાં કુંભ ગયો"

મિત્રો, વિશ્વનો સૌથી મોટો મેળો એવો આ મહાકુંભ છે. જ્યાં લાખો માનવમહેરામણ ઉભરાય છે. આ વર્ષે ઘણાં લોકોએ અહીં આવીને પવિત્ર ડૂબકીઓ લગાડી છે. જે લોકો વ્યક્તિગત હાજરી નથી આપી શક્યા તેઓ આ પવિત્ર વિધિઓ કરવાના અજીબોગરીબ વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેમના પ્રિયજનોના પ્રિંટેડ ફોટા પણ પાણીમાં ડુબાડ્યા હતા તો કોઈએ ત્યાં જઈને પ્રાર્થનામાં તેમના નામોનો ઉલ્લેખ કર્યો.

મહાકુંભ મેળો (Kumbh Mela Viral Video) વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે. કુંભમેળો આવનારી 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 26 જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભમેળામાં દરરોજ સરેરાશ એક કરોડથી વધુ ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે.

offbeat news offbeat videos kumbh mela prayagraj social media