યુરોપના આ દેશમાં ઘરકામ માટે કલાક મુજબ ભાડેથી પતિ મળે છે

06 August, 2026 03:06 PM IST  |  Riga | Gujarati Mid-day Correspondent

લૅટવિયામાં મહિલાઓની સંખ્યા વધુ હોવાથી કેટલીક મહિલાઓને ઘરનાં નાનાં-મોટાં કામ માટે મદદ મળતી નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે હવે કલાકના હિસાબે ‘હસબન્ડ ઑન રેન્ટ’ સેવા ઉપલબ્ધ બની છે.

પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન દેશ લૅટવિયામાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં લગભગ ૧૫.૫ ટકા જેટલી વધુ છે. એને કારણે અહીં સ્ત્રીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મેળવવામાં પણ તકલીફ પડે છે. જોકે અહીંની મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર હોય છે, પરંતુ તેમને ઘરમાં થતાં કેટલાંક કામો માટે પતિની ખોટ સાલે છે. આ એવાં કામો છે જે કોઈ પ્રોફેશનલ સર્વિસ પાસે નથી થતાં. જેમ કે ઘરમાં તૂટેલું ફર્નિચર જોડવાનું હોય, ઇન્ટીરિયરમાં બદલાવ કરવો હોય તો સામાન આમથી તેમ ફેરવવાનો હોય કે પછી નાની-મોટી મરમ્મતનું કામ હોય જે સામાન્ય રીતે પતિઓની જવાબદારી હોય છે. લૅટવિયામાં હવે કેટલાંક ઑનલાઇન સર્વિસ પ્લૅટફૉર્મ્સ શરૂ થયાં છે જે ભાડા પર ઘરનું કામ કરવા માટે હસબન્ડ મોકલે છે. આ કૉન્સેપ્ટની શરૂઆત પણ કંઈ આજકાલની નથી. પહેલી વાર ૨૦૨૨માં લૉરા યંગ નામની મહિલાએ આડોશપાડોશમાં એકલી રહેતી મહિલાઓને મદદ કરવા માટે પોતાના પતિને ભાડેથી મોકલવાનું શરૂ કર્યું હતું. એમ કરીને તેનો પતિ એક્સ્ટ્રા રૂપિયા પણ કમાવી લાવતો હતો. લૉરાએ શરૂ કરેલી આ સર્વિસ હવે વધુ પ્રોફેશનલ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અહીં કલાકના હિસાબે હસબન્ડ રેન્ટ પર મળે છે. આ હસબન્ડ સાથે સંબંધ કે કમિટમેન્ટ જેવી વાત નથી હોતી. માત્ર એ કોઈકનો હસબન્ડ હોય એ જરૂરી રહે છે જેથી તેને એક પરિવારના ઘરમાં શું અને કેવું કામ જરૂરી હોઈ શકે છે એનો અંદાજ હોય.

europe world news international news offbeat news hatke news