૧૫ વર્ષની ભારતીય કન્યા દિવ્યા મહાજને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ : નૉર્થ ચૅનલ પાર કરનારી સૌથી નાની સ્વિમર બની

04 September, 2026 04:12 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નાશિકની ૧૫ વર્ષની દિવ્યા મહાજને નૉર્થ આયરલૅન્ડથી સ્કૉટલૅન્ડ સુધીની નૉર્થ ચૅનલ ૧૫ કલાક ૫૦ મિનિટમાં પાર કરીને સૌથી નાની વયની સ્વિમર બનવાનો રેકૉર્ડ બનાવ્યો.

દિવ્યા મહાજન

નાશિકની ૧૫ વર્ષની બહાદુર દીકરી દિવ્યા મહાજને દરિયાઈ તરણમાં ઇતિહાસ રચી દીધો છે. ૨૩ ઑગસ્ટે નૉર્થ આયરલૅન્ડના ડોનાગાડીથી સ્કૉટલૅન્ડના પોર્ટપૅટ્રિક સુધીની અત્યંત કઠિન ગણાતી નૉર્થ ચૅનલને સતત ૧૫ કલાક અને ૫૦ મિનિટ સુધી તરીને પાર કરીને તે વિશ્વની સૌથી નાની વયની સ્વિમર બની ગઈ છે. અગાઉ આ રેકૉર્ડ ભારતના જ ૧૯ વર્ષના અંશુમન ઝિંગરનના નામે હતો.
નૉર્થ ચૅનલને વિશ્વનો સૌથી પડકારજનક ઓપન-વૉટર જળમાર્ગ માનવામાં આવે છે, જ્યાં ઉનાળામાં પણ પાણીની સપાટીનું તાપમાન બારથી ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું ઠંડું હોય છે. કોઈ પણ પ્રકારના વેટ-સૂટ વગર, માત્ર સામાન્ય સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં દિવ્યાએ બરફ જેવા ઠંડા પાણી, ઊંચાં મોજાં અને કાતિલ પવન સામે ૧૬ કલાક સુધી સતત લડત આપીને આ અશક્ય સિદ્ધિ હાંસલ કરી હતી.
દિવ્યાના પરિવારમાં સ્પોર્ટ્સ અને સાહસ લોહીમાં વણાયેલાં છે. તેના પિતા ડૉ. હિતેન્દ્ર મહાજને એવરેસ્ટ સર કર્યો છે અને તેનો ભાઈ ઓમ મહાજન કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌથી ઝડપી સાઇકલ ચલાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. દિવ્યાનું લક્ષ્ય હવે ૧૯ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં વિશ્વના તમામ ૭ મુશ્કેલ દરિયાઈ રસ્તાઓ પાર કરીને ઓશન્સ સેવન ચૅલેન્જનો રેકૉર્ડ પ્રસ્થાપિત કરવાનો છે. 

nashik guinness book of world records ireland scotland offbeat news hatke news