૩ વર્ષ માનું શબ છુપાવી રાખ્યું અને મા જેવો મેકઅપ કરીને દીકરો જાતે પેન્શન લેતો રહ્યો

27 November, 2025 02:32 PM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ખોટી રીતે પેન્શનનો ફાયદો લેવાના ફ્રૉડ કેસમાં દીકરા પર કેસ ચાલી રહ્યો છે

૫૬ વર્ષના દીકરાએ તેની ૮૨ વર્ષની ગૅઝિએલા નામની માનું મૃત્યુ એટલા માટે છુપાવ્યું જેથી માના નામે આવતું સરકારી પેન્શન ખાઈ શકાય

ઇટલીના મૉન્ટુઆ શહેરમાં ૫૬ વર્ષના એક દીકરાની હેવાનિયત છેક ૩ વર્ષ પછી બહાર આવી હતી. ૫૬ વર્ષના દીકરાએ તેની ૮૨ વર્ષની ગૅઝિએલા નામની માનું મૃત્યુ એટલા માટે છુપાવ્યું જેથી માના નામે આવતું સરકારી પેન્શન ખાઈ શકાય. માના મૃત્યુ પછી તેણે શબને ઘરમાં જ છુપાવી રાખ્યું. એટલું જ નહીં, જાણે મા જીવતી હોય એમ તે અવારનવાર મા જેવો મેકઅપ કરીને નીકળતો અને સરકારી ઑફિસથી પેન્શન લઈ આવતો. દર વર્ષે માને ૫૩,૦૦૦ યુરો એટલે કે લગભગ ૪૭ લાખ રૂપિયાનું પેન્શન મળતું હતું. એ દીકરો લેતો રહ્યો. જ્યારે પણ માને સદેહે રજૂ થવાનું કહેવામાં આવતું ત્યારે તે ખુદ મેકઅપ, લિપસ્ટિક, મોતીની માળા અને લૉન્ગ સ્કર્ટ પહેરીને સરકારી ઑફિસોમાં રજૂ થતો. તેણે માના શબને એવી રીતે સ્લીપિંગ બૅગમાં મસાલા ભરીને ઘરના સ્ટોરેજમાં છુપાવી દીધું હતું કે તેનું શબ પણ હવે મમી બની ચૂક્યું હતું. લગભગ ૩ વર્ષ પછી જ્યારે ઓળખપત્ર રિન્યુ કરવાનું આવ્યું ત્યારે પણ તે હંમેશની જેમ સરકારી ઑફિસ પહોંચી ગયો. એ વખતે એક સરકારી કર્મચારીને તેના વર્તનમાં અનિયમિતતા લાગી. તેને લાગ્યું કે મહિલાના ચહેરા પર જેટલી કરચલીઓ છે એની સરખામણીએ ગળું બહુ જાડું છે અને હાથમાં ૮૦ વર્ષની વ્યક્તિ જેટલી કરચલી નથી ધરાવતી. તેણે મહિલાની ઓરિજિનલ તસવીર સાથે કમ્પૅરિઝન કરાવી તો દીકરાની પોલ ખૂલી ગઈ હતી. પોલીસ દીકરાના ઘરે પહોંચી ત્યારે ઘરમાંથી જ માનું મમી બની ગયેલું શબ મળ્યું હતું. ખોટી રીતે પેન્શનનો ફાયદો લેવાના ફ્રૉડ કેસમાં દીકરા પર કેસ ચાલી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે માનું મૃત્યુ કુદરતી રીતે જ થયું હતું. 

offbeat news italy international news world news