30 June, 2025 08:55 AM IST | South Korea | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સાઉથ કોરિયાના સોલમાં ચાલતી સબવે મેટ્રોમાં એક માણસે ગુસ્સામાં આવીને અનેક નિર્દોષ મુસાફરોનો જીવ જોખમમાં મૂકી દીધો અને સાથે પબ્લિક પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડ્યું એ અલગ. વાત એમ હતી કે ૬૭ વર્ષના પુરુષને તેની પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા. એ વાતથી અકળાયેલા ભાઈએ ચાલતી ટ્રેનમાં પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટના મેટ્રોના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વોન અટક ધરાવતા ૬૭ વર્ષના કાકાએ અંગત જીવનનો ગુસ્સો જાહેરમાં ભયાનક રીતે કાઢ્યો હતો. મેટ્રો ટ્રેન જ્યારે સુરંગમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે ડબ્બામાંથી પેટ્રોલ કાઢીને મુસાફરો જ્યાં ઊભા હતા એની બરાબર વચ્ચોવચ ઢોળવાનું ચાલુ કરી દીધું. પેટ્રોલની સ્મેલથી મુસાફરો ત્યાંથી દૂર જવા લાગ્યા. એક મહિલા તો દોડતાં-દોડતાં પડીને પેટ્રોલમાં ભીની પણ થઈ. જોકે સમય રહેતાં ત્યાંથી ઊઠીને દૂર જતી રહી. એ જ સમયે પેલા માણસે સામેની તરફથી પેટ્રોલને આગ ચાંપી દેતાં કોચ આખો ભડકે બળ્યો હતો. લોકોમાં ભાગમદોડ મચી ગઈ હતી અને છ લોકો ઘાયલ થયા હતા.