વિશ્વનો સૌથી મોટી વયનો કાચબો જોનાથન ૧૯૦ વર્ષનો થયો

16 January, 2022 08:42 AM IST  |  St Helena island | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ વેબસાઇટના હિસાબે જોનાથનનો જન્મ ૧૮૩૨માં થયો હોવો જોઈએ જેથી તેની વય ૨૦૨૨માં ૧૯૦ વર્ષની થાય

જોનાથન

૧૯૦ વર્ષના કાચબા જોનાથને સૌથી વધુ વયના કાચબા તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. સેન્ટ હેલેના આઇલૅન્ડ્સમાં જોનાથનનો ૧૯૦મો જન્મદિવસ ઊજવાયો હતો. 
એણે સૌથી જૂના ચેલોનિયન તરીકેનું બિરુદ મેળવ્યું છે. ચેલોનિયન એક એવી શ્રેણી છે જેમાં તમામ ટર્ટલ, ટેરેપિન્સ અને કાચબા (ટૉર્ટોઇઝ)નો સમાવેશ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ વેબસાઇટના હિસાબે જોનાથનનો જન્મ ૧૮૩૨માં થયો હોવો જોઈએ જેથી તેની વય ૨૦૨૨માં ૧૯૦ વર્ષની થાય. જોનાથન ૧૮૮૨માં જ્યારે સેશેલ્સથી સેન્ટ હેલેના આવ્યો ત્યારે એ પૂર્ણ પુખ્ત વયનો એટલે કે ૫૦ વર્ષનો હતો એ બાબતને ગણતરીમાં લઈને જોનાથનની વય ૧૯૦ વર્ષની હોવાનો અંદાજ મુકાયો છે. 
આ પહેલાંનો સૌથી મોટી વયનો કાચબો તુઈ મલીલા ૧૮૮ વર્ષનો હતો, જેને ૧૭૭૭માં કૅપ્ટન કુક દ્વારા રૉયલ ફૅમિલીને ભેટ કરાયો હતો અને ત્યાર બાદ ૧૯૬૫માં તેના મૃત્યુ સુધી એ તેમની પાસે જ રહ્યો હતો. 
સરકારે જણાવ્યા અનુસાર જોનાથન અત્યારે સારી રીતે ખાય-પીએ છે, પરંતુ જોઈ શકતો ન હોવાથી જો એને જમીન પર મૂકીએ તો ખોરાકની જાણ થતી નથી. પશુચિકિત્સા વિભાગ હજી પણ એની કૅલરી, વિટામિન્સ, મિનરલ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સ વધારવા અઠવાડિયામાં એક વાર એને હાથ વડે ખવડાવે છે. માનવીઓની કંપની એને વધુ ગમે છે. જોનાથને એના જીવનનો મોટા ભાગનો સમય સેન્ટ હેલેનાના ગવર્નરના ઘરે વિતાવ્યો હતો. અહીં એને ત્રણ મોટા કાચબા ડેવિડ, એમા અને ફ્રેડની કંપનીમાં ઘણો આનંદ આવતો હતો. 

offbeat news international news