લગભગ શ્વાન જેટલી હાઇટ ધરાવે છે વિશ્વનો આ નવો ટચૂકડો ઘોડો

01 December, 2025 03:10 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

એનું કદ ૨૧.૧ ઇંચનું છે એટલે કે ઍવરેજ શ્વાન જેટલી હાઇટ છે

જર્મનીનો પુમકેલ નામનો ઘોડો

ઘોડા તો હંમેશાં ખડતલ, જોમદાર અને તાકતવર જ હોય એવું જરૂરી નથી. કેટલાક ઘોડા ટચૂકડી સાઇઝના જ રહી જાય એવું પણ શક્ય છે. જેમ કે જર્મનીનો પુમકેલ નામનો ઘોડો. એની હાઇટ ૫૨.૬ સેન્ટિમીટર એટલે કે લગભગ ૨૧.૧ ઇંચ જેટલી છે અને એની ક્યુટનેસ જોઈને ભલભલાનું મન મોહી જાય એમ છે. આ પુમકેલભાઈ ભલે કદમાં નાના છે, પરંતુ ફરે છે ત્યારે ઠસ્સો તો અસ્સલ ઘોડા જેવો જ છે. પવન વાતો હોય ત્યારે દોડતી વખતે એની ગરદન પરના વાળ હવામાં લહેરાતા હોય એ જોઈને જાણે પુમકેલભાઈ જોમનું પાવરહાઉસ હોય એવું જ ભાસે છે. એનો કૉન્ફિડન્સ અફલાતૂન છે, પણ સાથે જ એ એટલો પ્રેમાળ છે કે એનો ઉપયાગ થેરપી હૉર્સ તરીકે થાય છે. નર્સિંગ હોમ્સ, સ્કૂલો અને ડિસેબિલિટી સેન્ટર્સમાં જઈને પુમકેલભાઈ એમની નિર્દોષ રમતોથી પીડામાં જીવતા અનેક લોકોને શાતા આપવાનું કામ કરે છે. તાજેતરમાં જ પુમકેલનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી ટચૂકડા ઘોડા તરીકે નોંધાયું છે.

એનું કદ ૨૧.૧ ઇંચનું છે એટલે કે ઍવરેજ શ્વાન જેટલી હાઇટ છે. એમ છતાં એનો ઠસ્સો પુખ્ત ઘોડા જેવો જ છે. ટચૂકડો હોવાને કારણે એને સ્ટાર જેવી ટ્રીટમેન્ટ મળે છે. જર્મન ટીવી-શો અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ઇવેન્ટ્સમાં પણ તે ભાગ લે છે. એક પુખ્ત વયના ઘોડા કરતાં એનું કદ લિટરલી દસગણું નાનું છે.

પુમકેલ પહેલાં સૌથી ટચૂકડા ઘોડાનો રેકૉર્ડ પોલૅન્ડના બૉમ્બેલના નામે હતો, પણ પુમકેલ પુખ્ત થયા પછી એનાથીયે ૪ સેન્ટિમીટર નાનો હોવાથી એના નામે રેકૉર્ડ બન્યો હતો.

germany offbeat news international news world news