05 April, 2026 12:07 PM IST | Mexico | Gujarati Mid-day Correspondent
રુબી રોલ્ગુ
મેક્સિકોની મેડિકલ સ્ટુડન્ટ રુબી રોલ્ગુ નામની યુવતીને ડૉક્ટરોએ ક્લિનિકલી ડેડ ઘોષિત કરી દીધી હતી અને ઘરવાળાઓને સાફ કહી દીધું કે દરદીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બ્રેઇનડેડ વ્યક્તિ ફરીથી જીવતી થાય એવી શક્યતા ૦.૦૦૦૧ ટકા પણ નથી હોતી. રુબીને ફેફસાંમાં લોહીના ક્લૉટ્સ જમા થવાથી હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. એ દરમ્યાન ક્લૉટ રક્તવાહિનીમાં ફસાઈ જવાથી તેને હાર્ટ-અટૅક આવ્યો અને તેના બ્રેઇન સુધી લોહી પહોંચતું બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોએ રુબીને મૃત જાહેર કર્યા પછી પરિવારજનો હજી તેને ગુમાવ્યાનો સદમો ખમીને સ્વસ્થ થાય ત્યાં તો રુબીબહેનના શરીરમાં સળવળાટ થયો. મૃત જાહેર કર્યા પછી જીવિત થયા હોય એવા અનેક માણસોના કિસ્સા આપણે સાંભળ્યા છે, પણ રુબીના કેસમાં જુદું હતું. રુબીએ ૧૦ મિનિટનો જે અનુભવ કહ્યો એ ડરામણો હતો. તે આજની દુનિયામાંથી ૨૦૩૦માં પહોંચી ગઈ હતી એવો દાવો કરતાં તેણે કહ્યું, ‘હું કોઈ અંધારી દુનિયામાં નહોતી, પરંતુ ખૂબ બ્રાઇટ અને સુંદર જગ્યામાં હતી. લગભગ ૨૦૩૦ની સાલ હોવાનું મને લાગતું હતું. પાંચ વર્ષનો એક-એક દિવસ મેં બહુ જ ઝડપથી મારી આંખ સામેથી પસાર થતો જોયો. એ દુનિયા ખૂબ શાંત અને બહેતર હતી. લોકો સ્માર્ટફોનના ગુલામ નહોતા. બધું જ ઑટોમૅટિક કામ થઈ રહ્યું હતું. કોઈના માટે ખાસ કામ જ નહોતું એટલે પરિવારજનો સાથે મળીને સમય ગાળતા હતા.’