27 July, 2026 07:59 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કોલસો થઈ ગયેલાં વૃક્ષોને સોનાથી સજાવે છે આ કલાકાર
દુનિયાભરમાં ઠેર-ઠેર ગ્લોબલ વૉર્મિંગને કારણે અવારનવાર જંગલોમાં આગ ફાટી નીકળે છે. સમયસર આગ રોકવામાં સફળતા ન મળતાં સેંકડો એકરમાં ફેલાયેલાં જંગલોમાં ઊગેલાં વૃક્ષો કોલસો થઈને પડ્યાં છે. આ સળગીને કાળામેશ થઈ ગયેલા લાકડાને જોઈને એમાંથી પણ આર્ટનું નિર્માણ થઈ શકે એવો વિચાર આવ્યો છે મિશેલ અર્દુ નામના યુવાનને. એટલું જ નહીં, તેણે એ કોલસાને સજાવવા માટે પણ કીમતી ધાતુનો ઉપયોગ કર્યો છે. મિશેલનું માનવું છે કે પ્રકૃતિ જ્યારે ખોફનાક ઘટનામાંથી પસાર થઈ હોય એ પછી પણ એની નાજુકતા અને કિંમત જરાય ઘટતી નથી. આ જ પ્રકૃતિ છે જે જાતે ઓગળીને નવું જીવન આપે છે. મિશેલે ઑરમ યુરેન્સ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત તે જંગલોમાંથી સળગી ગયેલા લાકડાના અવશેષો લઈ આવે છે. એના પર ૨૪ કૅરૅટ સોનાના વરખથી એવી રીતે સજાવટ કરવામાં આવે છે કે બહુ ગંદી રીતે સળગેલો કાળો કોલસો પણ ચમકી ઊઠે છે અને કોઈક કહાણી કહે છે. તેણે દર વર્ષે અલગ-અલગ જંગલોમાં લાગેલી આગો ઠરે એ પછી ત્યાંના એક થડને આ રીતે સજાવવાનું કામ કર્યું છે. એના પર આ લાકડું કઈ આગમાં કોલસો થયેલું એની તારીખ પણ લખવામાં આવે છે અને સાથે સોનાના વરખથી એને ખાસ આર્ટપીસ બનાવી દેવામાં આવે છે. મિશેલનાં આ સ્કલ્પ્ચર્સ ઇટાલિયન મ્યુઝિયમ અને રોમના યુનાઇટેડ નેશન્સના હૅડક્વૉર્ટરમાં પણ જોવા મળે છે. એ પીસ વેચાય એમાંથી મળેલી રકમનો ઉપયોગ જે-તે જંગલમાં ફરીથી વૃક્ષારોપણ કરીને એને નવપલ્લવિત કરવામાં વપરાય છે.