17 July, 2026 02:15 PM IST | લંડન | Gujarati Mid-day Correspondent
ઇતિહાસમાં પહેલી વાર મિસ ઇંગ્લૅન્ડની સ્પર્ધામાં થઈ ટાઇ બે યુવતીઓને જાહેર કરાઈ મિસ ઇંગ્લૅન્ડ
મિસ ઇંગ્લૅન્ડ સ્પર્ધામાં ૯૮ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક મોટો ઉલટફેર જોવા મળ્યો. સૌંદર્યસ્પર્ધાઓ તો લગભગ દરેક દેશમાં યોજાય છે અને વૈશ્વિક સ્તરે પણ અનેક બ્યુટી-કૉન્ટેસ્ટ થાય છે. એમાં એક જ વિજેતા હોય છે અને બીજા બે રનર-અપ્સ. જોકે બ્રિટનમાં યોજાયેલી મિસ ઇંગ્લૅન્ડ ૨૦૨૬ની સ્પર્ધામાં કદી ન થયું હોય એવું થયું. બે સુંદરીઓને જજિઝ તરફથી એકસરખા માર્ક્સ મળેલા હોવાથી બન્નેને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. જ્યારે કૅટવૉક અને ટૅલન્ટ રાઉન્ડ પૂરો થયો અને બધાના માર્ક્સ જાહેર થયા ત્યારે બધા દંગ થઈ ગયા, કેમ કે ૧૯ વર્ષની કૅટલિન બેનેટ અને ૨૩ વર્ષની એલી ડૅગલિશ નામની બે યુવતીઓ વચ્ચે ટાઇ થઈ હતી. બન્નેને એકસરખા માર્ક્સ મળ્યા હતા. એ પછી પણ એક સવાલનો રાઉન્ડ કરવામાં આવ્યો અને દરેક જજે અલગથી માર્ક્સ આપ્યા. એ રાઉન્ડમાં પણ બન્નેને સરખા જ માર્ક્સ મળ્યા. આખરે નિર્ણાયકોએ નક્કી કર્યું કે આ બન્ને છોકરીઓ મિસ ઇંગ્લૅન્ડના ખિતાબની સાચી હકદાર છે એટલે બન્નેને જૉઇન્ટ વિનર જાહેર કરવી. બન્ને સુંદરીઓ પોતપોતાના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષે નવેમ્બર મહિનામાં લેસ્ટરમાં યોજાનારી સ્પર્ધામાં તેમની વચ્ચે મુકાબલો થશે. એમાં જે જીતશે તેને આવતા વર્ષે ૨૦૨૭ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરવા મળશે.