12 June, 2026 02:47 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નેપાલના ઍથ્લીટ હરી ચંદ્ર ગિરિ
નેપાલના ઍથ્લીટ હરી ચંદ્ર ગિરિએ હૅન્ડ સ્ટૅન્ડ કરીને હાથ પર ૧૦૦ પગથિયાં ઝટપટ ઊતરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ કારનામું તેણે માત્ર ૪૪.૭૧ સેકન્ડમાં પૂરું કર્યું હતું. ૩૧ વર્ષનો હરી ચંદ્ર છેલ્લા ૬ મહિનાથી આ સ્ટન્ટ માટે પ્રૅક્ટિસ કરતો હતો. તેણે પહેલાં હાથ પર ઊંધા માથે સાદી જમીન પર ચાલવાની અને પગથિયાં ચડવાની પ્રૅક્ટિસ કરી હતી અને પછી તેણે પગથિયાં ઊતરવાના સ્ટન્ટની તૈયારીઓ આદરી હતી. આ માટે કાંડા અને ખભા પર શરીરનું સંતુલન જાળવવાની ચૅલેન્જ હતી એટલું જ નહીં, સ્ટન્ટના દિવસે જો વરસાદ પડે તો ભીની અને સૂકી માટી પર પણ સ્ટન્ટ કરવાની પ્રૅક્ટિસ કરી હતી. આખરે આ સ્ટન્ટ ચીનના યુનયાંગમાં એક મંદિરનાં પગથિયાં પર પર્ફોર્મ કરવામાં આવ્યો હતો. જો સહેજ પણ સંતુલન બગડે તો હરીને માથા, ગરદન કે કરોડરજ્જુમાં ગંભીર ચોટ લાગી શકે એમ હતું. એ જ કારણોસર જ્યારે આ સ્ટન્ટ થયો ત્યારે એક્સપર્ટ્સની હાજરી રાખવામાં આવી હતી. આમ તો આ સ્ટન્ટ આ વર્ષના જાન્યુઆરીમાં થયો હતો, પરંતુ તાજેતરમાં એને આ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની માન્યતા મળી હતી. એ પછી હરી ચંદ્રએ એ સ્ટન્ટનો વિડિયો શૅર કર્યો હતો. હરી ૨૦૧૪થી નેપાલની સેનામાં ફરજ નિભાવે છે.