નવજાત બાળકનું વજન ૬ કિલો, ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું

19 October, 2021 10:07 AM IST  |  Arizona | Gujarati Mid-day Correspondent

ફિન્લેની સાઇઝનાં નેપી હૉસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી હૉસ્પિટલે તેને માટે બહારથી નેપી મગાવવાં પડ્યાં હતાં

ફિન્લે પટોનાઇ

નવજાત બાળકનું વજન પાઉન્ડમાં માપવામાં આવતું હોય છે, પણ કિલોગ્રામની ભાષા સમજનારા આપણે પાઉન્ડને કિલોગ્રામમાં કન્વર્ટ કરી જ લેતા હોઈએ છીએ. એક પાઉન્ડ એટલે લગભગ ૦.૪૫ ગ્રામ થાય. સામાન્ય રીતે બાળકનું વજન સાડાત્રણ પાઉન્ડથી શરૂ થાય છે, જે લગભગ દોઢ કિલો કરતાં થોડા વધુ વજનનું ગણાય. આમ તો આટલા વજનના બાળકને નબળું ગણાવી શકાય.

થોડા જ દિવસ પહેલાં જન્મેલો ફિન્લે પટોનાઇ તેના વજન અને કદ માટે અખબારોની હેડલાઇનમાં છવાઈ ગયો છે.

ફિન્લેનાં મમ્મી-પપ્પા કેરી અને ટિમને જ્યારે ડૉક્ટરે તેમના બાળકનું વજન જણાવ્યું ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં હતાં. ફિન્લેનું વજન ૧૪ પાઉન્ડ એટલે કે ૬.૩ કિલો હતું. ૬થી ૯ મહિનાના બાળકનાં કપડાં તેને ફિટ આવે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ફિન્લેનાં મમ્મી-પપ્પાને તેમને મોટું (લગભગ ૧૩ પાઉન્ડ આસપાસનું) બાળક આવવાનું છે એની જાણ ડૉક્ટરોએ કરી હતી, પરંતુ ફિન્લે ડૉક્ટરોની આશા કરતાં પૂરો એક પાઉન્ડ વધુ વજનનો હતો.

ફિન્લેને જન્મ અપાવનારા ગ્લેન્ડેલના બૅનર થન્ડરબર્ડ મેડિકલ સેન્ટરના ડૉક્ટરો પણ તેનું કદ જાણીને આશ્ચર્ય પામ્યા હતા કે તેમની ૩૦ વર્ષની કારકિર્દીમાં આટલા વજનનું બાળક જોયું નહોતું. ફિન્લેની સાઇઝનાં નેપી હૉસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી હૉસ્પિટલે તેને માટે બહારથી નેપી મગાવવાં પડ્યાં હતાં.

offbeat news international news arizona