16 August, 2026 04:25 PM IST | Oslo | Gujarati Mid-day Correspondent
નૉર્વેમાં સૂતેલા પોલર બેઅરને હૉર્ન મારીને જગાડવા બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ થયો
પોલર બેઅર ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે અને સંરક્ષિત પ્રાણીઓની યાદીમાં આવતા આ પ્રાણીઓને બચાવવા માટે તેમને ખૂબ જ સાચવવામાં આવે છે. અત્યંત બર્ફીલા પ્રદેશોમાં જ ટકી શકતાં પોલર બેઅર નૉર્વેમાં જોવા મળે છે. નૉર્વેમાં ૧૯૭૨માં કાયદો બન્યો છે કે કોઈ કારણ વિના પોલર બેઅરને હેરાન કરવું, એની પાછળ જવું કે એને પ્રેમથી પુચકારીને પોતાની તરફ બોલાવવું એ ગુનો છે. એની ત્વચા માણસનો સ્પર્શ સહન કરી શકતી નથી એવું મનાય છે. સ્પર્શ દરમ્યાન તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ વારંવાર માનવસ્પર્શથી પ્રાણીને લાંબા ગાળે નુકસાન થાય છે. બીજી તરફ ગ્લોબલ વૉર્મિંગને કારણે બરફ પીગળી રહ્યો છે એને કારણે પણ પોલર બેઅર ડિસ્ટર્બ્ડ રહે છે. તાજેતરમાં નૉર્વે પાસેના સ્વાલબૉર્ડ વિસ્તારમાં નાવમાં પસાર થઈ રહેલા એક ભાઈએ નદીના કિનારે સૂઈ રહેલા પોલર બેઅરનું અટેન્શન મેળવવા માટે હૉર્ન વગાડ્યું હતું. હૉર્નના અવાજથી બેઅર જાગી ગયું. એ ઊઠીને બીજી દિશામાં જતું રહ્યું. જોકે આ ઘટનાથી પણ પોલર બેઅરને જે પરેશાની થઈ એ માટે તેને દંડ કરવામાં આવ્યો. આ માણસ નૉર્વેનો જ વતની હતો અને તેને આ ભૂલની કિંમત ખબર હતી એટલે તેને જ્યારે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો ત્યારે કોઈ પ્રકારની આનાકાની કર્યા વિના દંડ ભરી દીધો.