એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પ્રેમિકાના દોઢ વર્ષના દીકરાને ૮ વાર જમીન પર પટકીને મારી નાખ્યો

02 June, 2026 11:44 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રતિના પતિ સાથેના ખરાબ સંબંધોનો લાભ ઉઠાવીને વિરાજ બળજબરીથી રતિ સાથે લગ્ન કરવા માગતો હતો

પોલીસે વિરાજને અરેસ્ટ કરી લીધો હતો

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એકતરફી પ્રેમમાં પાગલ વિરાજ નામના યુવકે દોઢ વર્ષના આરવ નામના બાળકને રોડ પર ઊંચકી-ઊંચકીને પટક્યો અને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે. વાત એમ હતી કે વિરાજ આરવની મા રતિના એકતરફી પ્રેમમાં હતો. રતિનાં લગ્ન સુનીત સાથે થયાં હતાં, પરંતુ લગ્ન પછી પતિ અને સાસરિયાંની પરેશાનીથી કંટાળીને તે પોતાના પિયર બામઈ ગામ રહેવા જતી રહી હતી. સુનીતે કદી તેના દીકરાને પણ વહાલ કર્યું નહોતું. વિરાજ સંબંધમાં રતિના પતિની ફોઈનો દીકરો થાય છે. વિરાજ રતિના પ્રેમમાં હતો પણ સાસરિયાંઓ સાથેના સંબંધને કારણે તે કદી રાજી નહોતી. વિરાજ રતિના પિયર ગયો હતો અને દીકરા આરવને ટૉફી અપાવવા લઈ જવાના બહાને બહાર લઈ ગયો હતો. એ પછી તેણે રસ્તા પર આરવને જમીન પર પટક્યો હતો. જ્યાં સુધી માસૂમનો જીવ ન ગયો ત્યાં સુધી ઊંચકી-ઊંચકીને પટક્યો. CCTV કૅમેરામાં આ હેવાનિયત કેદ થઈ ગઈ હતી અને બાળકને ૮ વાર રોડ પર પટક્યો હોવાનું નોંધાયું છે.

ઘટના પછી તરત જ પોલીસે વિરાજને અરેસ્ટ કરી લીધો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રતિના પતિ સાથેના ખરાબ સંબંધોનો લાભ ઉઠાવીને વિરાજ બળજબરીથી રતિ સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ તેને લાગતું હતું કે જ્યાં સુધી તેનો દીકરો હશે ત્યાં સુધી તે લગ્ન માટે તૈયાર નહીં થાય. તેણે બાળકને તેના રસ્તાનો કાંટો સમજીને હત્યા કરી હતી. આ ઘટના પછી રતિ ગુસ્સામાં એટલી બેબાકળી બની હતી કે તેણે કહ્યું હતું ‘મારા દીકરાના હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ. જો બીજું કોઈ સજા આપી શકે એમ ન હોય તો મારા હવાલે તેને કરો, હું તેને મારી નાખીશ.’

offbeat news uttar pradesh Crime News india murder case