01 January, 2026 11:44 AM IST | Netherlands | Gujarati Mid-day Correspondent
નેધરલૅન્ડ્સ
સામાન્ય રીતે નેધરલૅન્ડ્સના લોકો બેફામ ખર્ચ કરવા માટે બિલકુલ જાણીતા નથી અને ગણી-ગણીને પાઈ-પાઈ ખર્ચનારા મનાય છે, પણ ૩૧ ડિસેમ્બરે આ હકીકત એકદમ બદલાઈ જાય છે.
વર્ષના છેલ્લા દિવસે ડચ લોકોને ફટાકડાનું ભૂત સવાર થઈ જાય છે. ૩૧ ડિસેમ્બરે નેધરલૅન્ડ્સમાં ચોમેર એટલા ફટાકડા ફૂટતા જોવા મળે છે કે માહોલ એકદમ યુદ્ધ જેવો લાગે છે. દરેક નગરમાં, દરેક ગલીમાં, દરેક રસ્તા પર, દરેક ખૂણે બધે આતશબાજી ચાલતી હોય છે. આ એક જ દિવસમાં નેધરલૅન્ડ્સમાં કરોડો રૂપિયાના ફટાકડાનો ધુમાડો કરી દેવામાં આવે છે.
વર્ષના ૩૬૪ દિવસ ફટાકડા પર પ્રતિબંધ હોય છે, પણ ફટાકડા વેચવાની પરવાનગી વર્ષના છેલ્લા ત્રણ દિવસ માટે આપવામાં આવે છે. એ સાથે જ ન્યુ યર પહેલાંના દિવસોથી તડાતડી શરૂ થઈ જાય છે. ઑફિશ્યલી તો ૩૧ ડિસેમ્બરે સાંજે ૬ વાગ્યાથી ૧ જાન્યુઆરીના પહેલા બે કલાક એટલે કે રાતે બે વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી હોય છે. જોકે ન્યુ યરના ૮ કલાક દરમ્યાન નેધરલૅન્ડ્સની ધરતી અને આકાશ રોશનીથી ઝગમગી અને ધડાકાઓથી ડગમગી ઊઠે છે. આ ત્રણ દિવસ તમામ મહત્ત્વનાં સ્થળોને ફાયરવર્ક-પ્રૂફ કરી દેવામાં આવે છે.
નેધરલૅન્ડ્સમાં નવા વર્ષની ઉજવણી સાથે ફટાકડા ફોડવાની પરંપરા સદીઓથી વણાઈ ગયેલી છે અને ત્યાંના નાગરિકો માટે એ લોકસંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે. યુરોપના ઘણા દેશોમાં નવા વર્ષને જોરદાર આતશબાજી અને અવાજથી વધાવવામાં આવે છે અને આ તામજામના અવાજથી ભૂતો અને દુષ્ટ આત્માઓ ભાગી જાય છે એવી પણ માન્યતાઓ ઘણી કમ્યુનિટીમાં છે. યુરોપના અન્ય દેશોમાં પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે, પણ ડચ લોકો ફટાકડાના નંબર વન કસ્ટમર છે.