03 May, 2026 01:15 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વેહિકલ
ટ્રાન્સપોર્ટને આસાન, સસ્તું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે અનેક કંપનીઓ ઇલેક્ટ્રિક અને સોલર વ્હીકલ્સનો આવિષ્કાર કરી રહી છે. એવામાં અમેરિકાના નૉર્થ કૅરોલિનાની ઑર્ગેનિક ટ્રાન્ઝિટ કંપનીએ એક અનોખું ઇલેક્ટ્રિક વ્હીકલ તૈયાર કર્યું છે. આ વાહનમાં ત્રણ પૈડાં છે એને કારણે એ કાર નહીં કહેવાય. પૅડલ મારવાનાં નથી એટલે એને સાઇકલ પણ નહીં કહેવાય. આપણી રિક્ષામાં એક પૈડું આગળ અને બે પાછળ હોય છે, પરંતુ આ વાહનમાં બે પૈડાં આગળ અને એક પેડું પાછળ છે. એની છત પર સોલર પૅનલ પણ લાગેલી હશે જેને કારણે સૂરજના તાપમાં ઊભા-ઊભા આ વાહન આપમેળે ચાર્જ થતું રહેશે. એમાં બે લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. એની આગળ અને પાછળ બન્નેને વ્હીલ્સ સાથે સસ્પેન્શન લગાવેલાં હોવાથી એમાં સફર આરામદાયક રહે છે. એક વાર ફુલ ચાર્જ થઈ જાય તો આ વેહિકલ ૩૨૨ કિલોમીટર સુધી ચાલી શકે છે. જોકે બૅટરી તડકામાં આપમેળે ચાર્જ પણ થતી રહે છે. જો અમુક મોસમમાં તડકો ન મળે તો બૅટરીને ઘરે ઇલેક્ટ્રિસિટીથી પણ ચાર્જ કરી શકાય એમ છે.