05 November, 2026 05:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું
બાજ એટલે કે ગરુડ હવામાં ખૂબ જ ઊંચાઈએ ઊડે છે. જોકે અમેરિકામાં એક બાજ પંખી એટલું મોટું થઈ ગયું કે હવે એ ઊડી જ નથી શકતું. વર્જિનિયાના એક વિસ્તારમાં માદા બાજ પંખી થોડાક સમયથી રેસિડેન્શ્યલ વિસ્તારમાં રહેતું હતું. એ બાજ રહેવાસીઓએ પાળેલી મરઘીઓ ઝાપટી જતું હતું અને નજીકના વૃક્ષમાં રહેતું હતું. સામાન્ય રીતે માદા બાજ પંખીનું વજન ૪૫૦ ગ્રામ હોય છે, પણ આ પંખીનું વજન ૯૦૦ ગ્રામ થઈ ગયું હતું. આસપાસમાંથી મરઘીઓ ખૂબ ખાવા મળી રહેતી હોવાથી બાજે સારીએવી પાર્ટી મનાવી હતી. એને કારણે થોડા જ દિવસોમાં એ મેદસ્વી થઈ ગયું. થોડા દિવસ પહેલાં આ બાજ કોઈકના આંગણામાં ફસડાયેલું પડ્યું મળ્યું હતું. સ્થાનિકોએ રેસ્ક્યુ કરનારી સંસ્થાને ફોન કરીને બોલાવ્યા હતા. રેસ્ક્યુ સેન્ટરમાં ડૉક્ટરોએ એની તપાસ કરી તો પંખીને કોઈ જ રોગ નહોતો. એનાં હાડકાં, આંખો, પાંખો કશાયને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ શરીરમાં ચરબીનો ભરાવો થઈ ગયો હતો. ડૉક્ટરોનું માનવું છે કે બાજ એ શિકારી વૃત્તિનું અને ખૂબ જ ઍક્ટિવ હોય છે, પણ આ બાજને બહુ સરળતાથી ખુલ્લામાં રખડતી મરઘીઓ મળી જતી હોવાથી એ આરામપ્રેમી થઈ ગયું હોય એવું લાગે છે. સામાન્ય કરતાં ડબલ વજન વધી જતાં હવે એ ઊડી શકતું નથી. એની સારવારમાં શક્તિવર્ધક દવાઓની સાથે ડાયટિંગ કરાવવું પડશે.