04 September, 2026 04:01 PM IST | California | Gujarati Mid-day Correspondent
૪૦,૦૦૦ પાઉન્ડનો બિઅર ભરેલી ટ્રક ચોરાઈ
અમેરિકાના કૅલિફૉર્નિયામાંથી એક અત્યંત વિચિત્ર અને રમૂજી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી ચાલાક ચોરોએ નકલી દસ્તાવેજો બતાવીને બિઅરની જાણીતી બ્રૅન્ડ પૅબ્સ્ટ બ્લુ રિબનનાં આશરે ૪૦,૦૦૦ પાઉન્ડની કિંમતનાં ૩૩,૯૮૪ કૅન ભરેલી બે ટ્રક પર હાથ સાફ કરી નાખ્યા હતા.
આ ચોરી પછી પોલીસમાં ફરિયાદ કરવા ઉપરાંત બિઅર કંપનીએ જે રસ્તો અપનાવ્યો એ જોઈને આખું સોશ્યલ મીડિયા હસી-હસીને લોટપોટ થઈ ગયું છે. કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર ચોરને ટૅગ કરીને એક અનોખી પોસ્ટ મૂકી. તેમણે લખ્યું : ચોર ભાઈ, તારે તારા મિત્રો સામે બડાઈ મારવી હતી કે તારી પાસે આટલો બધો બિઅર છે એ વાતનો અમને કોઈ વાંધો નથી, પરંતુ જો તું ઇજ્જતથી બિઅર પાછો આપી દે તો સારું. અમે તને ૧૮ દિવસ અને ૪૪ મિનિટનો સમય આપીએ છીએઃ બિઅર પાછો આપી જા, અમે તને એક પણ પ્રશ્ન નહીં પૂછીએ અને ઇનામ પણ આપીશું.