મૃત્યુભોજમાં ઘીમાં બનેલા માલપૂઆ ન મળ્યા એટલે પંચાયતે બહિષ્કાર કર્યો ૪૩ પરિવારનો

28 June, 2026 02:46 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મૃત્યુભોજની એટલે કે મરણ પ્રસંગના જમણવારની જૂની પરંપરાએ ફરી એક વાર અત્યંત વિવાદાસ્પદ અને ગંભીર રૂપ લીધું છે

ગામમાં એક મરણપ્રસંગે દેશી ઘીના માલપૂઆ ન બનાવવાના સામાન્ય મુદ્દે પંચાયતે તુઘલકી ફરમાન જાહેર કરીને ૪૩ પરિવારોનો સામાજિક બહિષ્કાર કરી દીધો છે

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મૃત્યુભોજની એટલે કે મરણ પ્રસંગના જમણવારની જૂની પરંપરાએ ફરી એક વાર અત્યંત વિવાદાસ્પદ અને ગંભીર રૂપ લીધું છે. ગામમાં એક મરણપ્રસંગે દેશી ઘીના માલપૂઆ ન બનાવવાના સામાન્ય મુદ્દે પંચાયતે તુઘલકી ફરમાન જાહેર કરીને ૪૩ પરિવારોનો સામાજિક બહિષ્કાર કરી દીધો છે. બન્યું એવું કે આર્થિક રીતે સક્ષમ નહોતી એવી એક વ્યક્તિ ભોજમાં ઘીના માલપૂઆ ન બનાવી શકી. આ વાતનો પંચાયતે વિરોધ કર્યો અને તેનો સામાજિક બહિષ્કાર જાહેર કર્યો. ત્યાર બાદ પેલા ભાઈને સમર્થન આપનારા ૪૨ પરિવારોનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આ આકરા ફરમાન બાદ ગામના કોઈ પણ લગ્નપ્રસંગ, મરણપ્રસંગ કે સામાજિક કાર્યક્રમમાં આ પરિવારોને સામેલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલું જ નહીં, સ્થાનિક દુકાનદારોએ આ પરિવારોને રાશન આપવાનું બંધ કર્યું છે અને ખેતરોમાં મજૂરી માટે પણ કોઈ કામ આપતું નથી. માસૂમ બાળકોને પણ નિશાળમાં હેરાન કરવામાં આવી રહ્યાં છે.
આ બહિષ્કૃત પરિવારોનું કહેવું છે કે ‘મૃત્યુભોજમાં શું રાંધવું અને મહેમાનોને શું પીરસવું એ દરેક વ્યક્તિની પોતાની આર્થિક સ્થિતિ અને શ્રદ્ધાનો અંગત વિષય છે. ઘીના માલપૂઆ બનાવવા એ કોઈ કાયદાકીય ગુનો નથી. છતાં પંચાયતનાં કેટલાંક માથાભારે તત્ત્વોએ જોહુકમી ચલાવીને આખા ગામને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યું છે.’

રોજીરોટી અને સામાજિક વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જતાં કેટલાક પરિવારો ગામ છોડીને પલાયન થવા મજબૂર બન્યા છે. ગામમાં ડર અને દહેશતનો એવો માહોલ છે કે કોઈ પણ ગ્રામજન આ અન્યાય વિરુદ્ધ ખૂલીને બોલવા તૈયાર નથી, કારણ કે બોલનારને પણ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડશે એવો ભય છે.

offbeat news rajasthan india Crime News