22 September, 2026 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AI ઍક્ટર્સ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે ડેટા એકત્ર કરવા માટે અનેક લોકો કોઈ કામ કરતી વખતે કૅમેરા પહેરી રાખીને કમાણી કરતા આવ્યા છે, પરંતુ હવે લોકો પૈસા કમાવા માટે પોતાનો ચહેરો પણ AIને ભાડે આપવા લાગ્યા છે. કેટલાંક AI પ્લૅટફૉર્મ્સ પર વ્યક્તિનો ચહેરો ફોટોગ્રાફ્સ કે વિડિયોમાં વાપરવા દેવા બદલ હજાર રૂપિયાથી લાખો રૂપિયાનું ભાડું આપવામાં આવે છે. સિરિયલ્સ, ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ કે ગેમ્સ માટે કન્ટેન્ટ ક્રીએટ કરવા માટે જે લોકોના ચહેરા વપરાય છે એ માટે ઍપ્સ દ્વારા વળતર પણ ચૂકવાય છે. બૅન્કના એક કર્મચારીનું કહેવું છે કે એક ઍડ્વટાઇઝિંગ કંપનીએ તેનો ચહેરો ૭ વાર વાપર્યો હતો અને એ બદલ તેને ૩૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા. જોકે રોમૅન્સ અને ફૅમિલી કન્ટેન્ટ ક્રીએટ કરવા માટે ચહેરો વાપરવા દેવાનું ભાડું હજારો રૂપિયામાં હોય છે. ચીનમાં હવે રિયલ ઍક્ટર્સને બદલે ડિજિટલ ઍક્ટર્સના પ્રોફાઇલ વિકસી રહ્યા છે. ફિલ્મ, મૉડલિંગ, ઍનિમેશન અને ગેમિંગ માટે ચીનનાં પ્લૅફૉર્મ્સ પાસે ૩૭૦થી વધુ ડિજિટલ ઍક્ટર્સ છે. આ ઍક્ટર્સ માત્ર પોતાનો ચહેરો યુઝ કરવાની પરવાનગી આપવા સિવાય કંઈ જ નથી કરતા. આ ઍક્ટર્સ પોતાનો ચહેરો કયા કન્ટેન્ટમાં વપરાશે એ પણ નિશ્ચિત કરી શકે છે.