12 March, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ધમકી આપતી નાની બાળકીનો વીડિયો (સૌજન્ય: મિડ-ડે)
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક નાની બાળકી એકે-47 રાઇફલ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતી જોવા મળે છે. આ વીડિયોને લઈને ભારે બબાલ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં નારાજગી જોવા મળી છે. આ વીડિયોની તારીખ અને સ્થાન અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
વાયરલ વીડિયો અને ચોંકાવનારી ધમકી
આ વીડિયોમાં એક નાની બાળકી એકે-47 રાઇફલ પકડીને વડા પ્રધાન મોદીને ધમકી આપતી જોવા મળે છે. વીડિયોમાં બાળકીએ કહ્યું હતું, “મોદી, તું જે પણ છે, તું મૂરખ છે. જો તું અમારા દેશને ફરી એકવાર નુકસાન પહોંચાડીશ, તો હું તને મારી નાખીશ. મારી પાસે ગોળીઓથી ભરેલી બંદૂક છે, 50 ગોળીઓ છે અને હું તને માત્ર બે ગોળીમાં મારી નાખીશ. તું ક્યારેય જીવતો નહીં રહે અને ડૉક્ટર પણ તને બચાવી શકશે નહીં. તું હંમેશા જમીન પર મરેલો જ રહીશ.” આ બાળકીએ અંતે ઉમેર્યું કે, "આલ્લાહ તારા પર ખુશ નહીં થાય... તું બહુ ખરાબ છે."
સોશિયલ મીડિયામાં ભારે વિરોધ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ઘણા યુઝર્સે આટલી નાની ઉંમરે બાળકોના કટ્ટરપંથીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે અને ભારે નફરતના પ્રદર્શનની નિંદા કરી છે. ઘણા લોકોનો દાવો છે કે આ વીડિયો બાળકોને ખોટી દિશામાં લઈ જશે અને ધમકી અને કટ્ટરપંથી વિચારધારા માટે ચિંતાજનક છે. એક યૂઝરે કહ્યું, “જો આ વીડિયો ભારતનો છે તો આવા મેસેજ માટે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવવા જોઈએ. રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આટલી નફરત ચોંકાવનારી છે!”
બાળકોના ઉગ્રવાદી વિચારો પર ચિંતાઓ
આ ઘટનાએ બાળકો પર કટ્ટર વિચારધારાના અસરો વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. નિષ્ણાતો માને છે કે આવો પ્રચાર માત્ર ઘૃણા જ નહીં, પણ બાળકોમાં હિંસક વિચારધારાને સામાન્ય બનાવે છે. આ ઘટના દ્વારા શીખ મળી છે કે બાળકોને ઉગ્રવાદી વિચારોથી બચાવવા માટે તાત્કાલિક અને સખત પગલાં લેવાની જરૂર છે.
આવી જ એક ઘટનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે, મુખ્ય પ્રધાનના કાર્યાલય પર બૉમ્બ હુમલાની ધમકી આપવામાં આવી છે. આ વોટ્સઍપ મેસેજ મળ્યા બાદ રાજ્યમાં હલચલ મચી ગઈ છે. આ ધમકીભર્યો સંદેશ મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સઍપ પર મળ્યો હતો. આ સંદેશ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ થઈ છે. આ સંદેશ એક પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવામાં મળ્યું છે. ધમકીના સંદેશ પછી મુંબઈ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ પહેલા પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને મુંબઈ પોલીસને વિદેશી નંબરોથી આવા ધમકીભર્યા સંદેશ મળ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારને બૉમ્બથી ઉડાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકીવાળી ઈ-મેઇલ ગોરેગાંવ પોલીસ-સ્ટેશન, જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન અને મંત્રાલયના કન્ટ્રોલ-રૂમને મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.