29 September, 2026 11:47 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
પતિએ પત્નીને નદીમાં ધક્કો માર્યો
ઝારખંડના રાંચીમાં સુરેશ મહતો નામના ભાઈએ પોતાની ગર્ભવતી પત્ની લખમણીને હત્યા કરવાના ઇરાદાથી નદીમાં ફેંકી દીધી. સુરેશ શનિવારે સાંજે ખૂબ પ્રેમભરી વાતો કરીને લખમણીને લઈને નદીકિનારે પુલ પર ફરવા નીકળ્યો હતો. લખમણી પ્રેગ્નન્ટ હોવાથી ધીમે-ધીમે ચાલી રહી હતી, પરંતુ સુરેશે ધીરજ રાખી. પુલ પાસે રાઢુ નદીમાં પાણીનો જ્યાં તેજ પ્રવાહ હતો ત્યાં પહોંચીને તેણે પત્નીને ધક્કો દઈ દીધો. ગનીમત એ રહી કે લખમણીને તરતાં આવડતું હતું. ભારે પાણીના પ્રવાહમાં પહેલાં તો તે તણાઈ, પરંતુ પછીથી તેને થોડેક દૂર નદીની અંદર ટાપુ જેવો જમીન-વિસ્તાર દેખાયો. તે તરીને ત્યાં પહોંચી ગઈ. શનિવારે આખી રાત ભારે વરસાદ વચ્ચે લખમણી એ જમીનના ટુકડા પર બેસી રહી. રવિવારે સવારે પાસેના ગામના લોકો નદીકિનારે ગયા ત્યારે મહિલાને નદીની વચ્ચે દૂર ફસાયેલી જોઈ. સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમની મદદથી તેને બચાવી લેવાઈ. પોલીસે પતિ સુરેશ સામે ફરિયાદ નોંધી છે. સુરેશ રંગીન મિજાજનો માણસ છે અને આ તેની બીજી પત્ની હતી. જોકે તેનાથી પણ કંટાળી ગયો હોવાથી તેણે છુટકારો મેળવવા માટે તેને નદીમાં ધક્કો માર્યો અને હત્યાને અકસ્માત લાગે એવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો.