રસ્તા પર માથું ચોંટાડનાર પ્રૉટેસ્ટરના ફોટો અને વિડિયો વાઇરલ થઈ ગયા

27 October, 2021 11:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સોમવારે લંડનમાં વિરોધ કરી રહેલા એક પ્રદર્શનકારીએ જુદી જ ટેક્નિક અપનાવીને સૌને અચરજમાં મૂકી દીધા હતા

વાઇરલ ફોટો

બ્રિટનમાં પર્યાવરણના વિવિધ મુદ્દા માટે ચળવળ ચાલી રહી છે. એવી જ એક ચળવળના વિરોધ-પ્રદર્શનમાં વિરોધ કરી રહેલા એક પ્રદર્શનકારીનો ફોટો ખૂબ વાઇરલ થયો છે.

સામાન્ય રીતે આ ચળવળમાં પ્રદર્શનકારીઓ અનેક નુસખા કરતા હોય છે. મોટા ભાગે રસ્તા રોકીને આંદોલન કરતા હોય છે. જોકે સોમવારે લંડનમાં વિરોધ કરી રહેલા એક પ્રદર્શનકારીએ જુદી જ ટેક્નિક અપનાવીને સૌને અચરજમાં મૂકી દીધા હતા. રસ્તા રોકોમાં પોલીસ આવીને પ્રદર્શનકારીઓને હડસેલી જઈ શકે એમ હોવાથી એક ભાઈએ તો પોતાનું માથું ગૂંદર વડે રસ્તાની વચ્ચોવચ ચોંટાડી દીધું હતું.

પોલીસ અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ ભાઈના માથાને રોડ પરથી ઉખેડ્યું અને ભાઈને પોલીસ-વૅનના હવાલે કર્યો હતો. જોકે થોડી વારમાં આ ટેક્નિક લોકપ્રિય થઈ ગઈ હોય એમ અનેક લોકોએ પોતાનાં માથાં રસ્તા પર ગૂંદરથી ચોંટાડી દીધાં હતાં અને પોલીસના કામમાં અનેકગણો વધારો કર્યો હતો. સોમવારે બાવનથી વધારે પ્રદર્શનકારીઓને પોલીસે ઝડપ્યા હોવાના અહેવાલ હતા. જોકે રસ્તે માથું ચોંટાડી દેનાર પ્રદર્શનકારીના ફોટો અને વિડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

offbeat news international news london