18 March, 2025 06:20 PM IST | Bikaner | Gujarati Mid-day Correspondent
પાની દેવી (તસવીર સૌજન્ય: મિડ-ડે)
રાજસ્થાનનાં ૯૩ વર્ષનાં પાની દેવી ફરી એક વાર ઍથ્લેટિક્સમાં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં છે અને એની સાથે ઇન્ડોનેશિયામાં રમાનારી એશિયન માસ્ટર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ ગયાં છે.
પાની દેવી ૧૦૦ મીટરની રેસ, ગોળાફેંક અને ડિસ્ક્સ થ્રોમાં માહેર છે અને આ ત્રણેય ગેમમાં ગોલ્ડ જીતી લાવ્યાં છે. બિકાનેરમાં રહેતાં પાની દેવી જાટ સમાજનાં છે. વર્ષો સુધી ઘર અને ગૃહસ્થીમાં જ વ્યસ્ત રહેલાં આ દાદી પહેલેથી જ ફિટનેસપ્રેમી છે અને સેહત જાળવી રાખવા માટે ખાનપાનનું ધ્યાન રાખવા ઉપરાંત ખૂબ કસરત પણ કરે છે. પાની દેવી તેમના પૌત્ર જયકિશન ગોદારાની પ્રેરણાથી ઍથ્લેટિક્સની દુનિયામાં આવ્યાં હતાં અને એ પછી તો તેઓ એક મિસાલ બની ગયાં છે. આજે પણ તેઓ ઘરનું અને પશુપાલનનું કામ કરે છે. હવે દાદી ગામની બીજી મહિલાઓને રમતગમતમાં રસ લેવા માટે પ્રેરે છે અને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે.