10 August, 2026 05:46 PM IST | Balotra | Gujarati Mid-day Correspondent
ચોરી ન થાય એ માટે ખેતરમાં પાંચ લાખ રૂપિયા દાટી દીધેલા, ઊધઈ ચટ કરી ગઈ ચલણી નોટો
રાજસ્થાનના બાલોતરા પાસેના નેવાઈ ગામમાં એક ખેડૂતે બચતના પાંચ લાખ રૂપિયા કોઈ ચોરી ન જાય એ માટે પ્લાસ્ટિકની એક થેલીમાં ભરીને એને ખેતરમાં દાટી દીધી હતી. ઘરમાં રાખે તો દીકરાઓની નજર પણ એના પર પડે. એવું ન થાય એ માટે બચતને ઘરની બહાર જૂના જમાનાની જેમ ખેતરમાં દાટી દેવાનું ખેડૂતને ઠીક લાગ્યું. જોકે એ પછી ખેડૂત ભૂલી ગયો કે ખેતરમાં ક્યાં એ દલ્લો દાટવામાં આવ્યો હતો. એક વર્ષ પછી વાવણીનું કામ કરવાનું હતું ત્યારે ટ્રૅક્ટર દ્વારા ખેતર ખેડાઈ રહ્યું હતું એ વખતે પ્લાસ્ટિકની આ થેલી જમીનમાંથી મળી આવી હતી. જોકે થેલી ખોલતાં જ એમાંની ૫૦૦ રૂપિયાની ચલણી નોટોની હાલત જોઈને ખેડૂતનું હૈયું ચિરાઈ ગયું. લગભગ તમામ ચલણી નોટો પર ઊધઈ લાગી ગઈ હતી અને બધી જ નોટો સડીને અડધી ખવાઈ ગઈ હતી. હવે આવી નોટોનું શું કરવું? ખેડૂત આ ફાટેલી નોટોને લઈને સ્થાનિક બૅન્કમાં ગયો. જોકે એકેય નોટ આખી ન હોવાથી તેને જયપુરમાં આવેલી ભારતીય રિઝર્વ બૅન્કની બ્રાન્ચમાં જવાની સલાહ આપવામાં આવી છે.