09 January, 2026 01:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય અમેરિકાના સમુદ્રમાં દુર્લભ સોનેરી શાર્ક પકડાઈ છે. એનો ચમકીલો ઑરેન્જ રંગ અને સફેદ આંખો જોઈને વૈજ્ઞાનિકો પણ અચંબામાં છે. આ શાર્ક વિશે અભ્યાસ કર્યા પછી વૈજ્ઞાનિકોને ખબર પડી હતી કે એને અલ્બિનો-જેન્થોક્રોમિઝમ નામની દુર્લભ જનીનગત બીમારી છે. સમુદ્રના પેટાળમાં અનેક રહસ્યો છુપાયેલાં છે. એમાં વળી કોસ્ટા રિકાના સમુદ્રતટ પાસેથી મળી આવેલી આ નારંગી રંગની શાર્ક દરિયાઈખેડુ નિષ્ણાતોએ પણ જીવનમાં પહેલી વાર જોઈ હતી. કોસ્ટા રિકાના તટ પર કેટલાક માછીમારોને આ માછલી મળી આવી હતી જે લગભગ ૩૭ ફુટ લાંબી હતી. દરિયાના ભૂરા પાણીમાંથી એકદમ કૉન્ટ્રાસ્ટ નારંગી રંગને કારણે માછીમારોની આંખો ચમકી ઊઠી હતી. આ શાર્કની આંખ બ્લુને બદલે એકદમ સફેદ રંગની હતી. પહેલાં તો માછીમારોએ આ અજીબ જીવ જોઈને તસવીરો પાડી લીધી અને પછી ફરીથી સમુદ્રમાં છોડી દીધી. માછીમારો તો ભૂલી ગયા આ માછલીને, પણ આ તસવીરોએ દરિયાઈ જીવના નિષ્ણાતોની ઊંઘ ઉડાડી દીધી. બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઑફ રિયો ગ્રૅન્ડના સંશોધકોએ આ શાર્કને શોધીને એનો અભ્યાસ કર્યો. તેમણે આ શાર્કને અલ્બિનો-જેન્થોક્રોમિઝમ નામની બીમારીનું નિદાન કર્યું હતું. આ રોગમાં શરીરમાં બે પ્રકારનાં રંજકદ્રવ્યોમાં વિકાર થાય છે. એમાં ઘેરા રંગનાં રંજકદ્રવ્યોની ઊણપ હોય છે અને બીજું, એમાં પીળા રંગનાં રંજકદ્રવ્યો અત્યાધિક માત્રામાં હોય છે. આ માત્રા એટલી વધુ હોય છે કે એની ત્વચા નારંગી રંગની દેખાય છે.